ઘરની આગળનો ખુલ્લો ભાગ એટલે આંગણ. ક્યારેક એને ફળિયુ પણ કહેવાય તો ક્યારેક પ્રાંગણ પણ. અમુક સંજાેગોમાં તેને વંડો પણ કહેવાતો હોય છે. પણ આંગણું એટલે આંગણું. ઘરનો સૌથી જીવંત ભાગ. ઘરનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ભાગ. આંગણું એટલે દરેક પ્રકારની કૌટુંબિક તેમજ સામાજિક પરિસ્થિતિનો સમાવેશ કરવાની ક્ષમતા ધરાવનાર ઘરની આગળનો ખુલ્લો વિસ્તાર. તે પોતે તો મોકળાશભરેલું છે અને સાથે સાથે અન્યને પણ મોકળાશ આપે છે- મોકળાશની પ્રતીતિ કરાવે છે. પરંપરાગત આવાસમાં આંગણું દાદા સમાન હોય છે - અહીં બધા માટે તેમને અનુકૂળ અવકાશ મળી રહે છે.
આંગણું એક નિર્ધારિત થયેલ ભૂમિ ખંડ છે. અહીં કોઈ પ્રકારનું બાંધકામ નથી હોતું. નીચે ધરતીમાતા અને ઉપર ગગન વિશાળ. ક્યાંક પૂર્વજાેનું વાવેલું ઝાડ, જેના પર કુટુંબના સભ્યો બની ગયા હોય તેવા પંખીઓનો કલરવ. એક તરફ મકાન તો બીજી તરફ દિવાલ અથવા સાંઠીઓની વાડ, જેમાં વ્યવસ્થિત પ્રવેશ સ્થાન કે નાનકડી જાંપલી બનાવી દેવાઈ હોય. અહીં આબોહવા સાથે કોઈ પડદો નહીં. અહીં તડકો પણ પ્રવેશી શકે અને વરસાદ પણ. ઠંડીનો ચમકારો પણ તેના સમયે અહીં અસર દેખાડી જાય. ધૂળની ડમરીથી ઉડતી રાજકણની પણ અહીં સ્વીકૃતિ છે અને આકસ્મિક પડતા બરફના કરા પણ અહીં ઝીલી લેવાય. કુદરતના અનુકૂળ અને પ્રતિકૂળ એમ બંને તરફના પરિબળોને અહીં પ્રવેશ મળે. કુટુંબના સભ્યો અનુકૂળ પરિબળોને માણે અને પ્રતિકૂળ પરિબળોથી કાં તો ટેવાતા જાય કાં તો એનો ઉકેલ શોધી કાઢે. પણ આંગણાની અસ્વીકૃતિ કે આંગણાની જે તે બાબતનો વિરોધ ક્યારેય ન ઉદ્ભવે. પરંપરાગત આવાસની રચનામાં આંગણું દરેક રીતે સર્વ સ્વીકૃત ઘટના છે. આધુનિક જીવનશૈલીમાં પણ આવું સ્થાન જરૂરી છે, પણ તે શક્ય નથી.
આંગણું ખુલ્લાપણું અને મુક્તતા દર્શાવતું સ્થાન છે. આંગણું બધાને હુંફ આપે છે. આંગણું દરેક પરિસ્થિતિમાં બધાનો સ્વીકાર કરે છે. આંગણા સાથે સમગ્રતામાં અને આંગણાના કોઈક ભાગ સાથે વ્યક્તિગતતાના ધોરણે, કુટુંબની દરેક વ્યક્તિ તાદાત્મયતા- પોતાપણું સ્થાપી શકે છે. અહીં બધા માટે સ્થાન છે, અને અહીંનું સ્થાન બધા માટે છે. આંગણું જેટલું ઘરની વ્યક્તિઓ માટે છે તેટલું જ ત્યાં રહેલ ઝાડપાન તથા પાળેલા પશુ માટે છે. આંગણું મહેમાન અને યજમાન બંનેને સમાન મહત્વ આપે છે. આંગણામાં કોઈની માટે કોઈપણ પ્રકારનો બાધ ન હોય તેમ જણાય છે.
અહીં બાળકો રમે અને લગ્ન સમયે માંડવો પણ બંધાય. અહીં પાળેલા પશુઓને પણ સ્થાન મળે અને ખાટલો ઢાળીને મહેમાનની આગતા-સ્વાગતા પણ અહીં કરાય. અહીં ફટાકડા પણ ફૂટે અને મકરસંક્રાંતિના દિવસે અહીંથી જ પતંગ આકાશને આંબે. બાળકો માટે આ મેદાન છે તો આસપાસની સ્ત્રીઓ માટે આ ભેગા મળવાનું સ્થાન છે. પુરુષો માટે આ સમય પસાર કરવાનું માધ્યમ છે તો સમગ્ર કુટુંબ માટે સામાજિક સંબંધો અને સમીકરણો નિભાવવા માટેની આ તક છે.
કુટુંબના દરેક વ્યક્તિ સાથે આંગણું વણાયેલું હોય છે. કુટુંબના દરેક સારા-નરસા પ્રસંગોમાં તે અગત્યનું ઉપયોગી સ્થાન બની રહે છે. કુટુંબને જીવંતતા આપતી ઘટનાઓમાં તેનો ફાળો નોંધનીય છે. તેના પર જાણે બધાનો સમાન અધિકાર છે. કુટુંબના દરેક સભ્યને તે પોતાની અંદર જાણે સમાવી લે છે અને સાથે સાથે જે તે સભ્યની સ્થૂળ તેમજ માનસિક જરૂરિયાતો પણ અહીં સંતોષાતી હોય છે. આંગણું શોકમાં પણ સાથ આપે છે અને ખુશીમાં પણ. માતમ પણ અહીં જ મનાવાય છે અને ઉત્સવ પણ અહીં જ ઉજવાય છે.
લોકસાહિત્યમાં આંગણાનો અનેરો મહિમા વર્ણવાયો છે. લોકગીતોમાં તેનો સમાવેશ જાેવા મળે છે તેમ લોકકથાઓમાં પણ તેનું સામાજિક મહત્વ વર્તાઈ આવે છે. આંગણું પૂછીને જે આવે તેને આવકારો આપવો જાેઈએ- આ પરંપરામાં પણ આંગણું કેન્દ્રસ્થાને છે. તમે ઘરના કોઈ ઓરડાની અંદર જરૂરી ગોપનીતા જાળવી શકો પણ આંગણું તો ઘરનું કોઈપણ પ્રકારની આડશ વગરનું ક્ષેત્ર છે. તેથી જ આંગણું દંભ ન કરી શકે. તે જેમ છે તેમ વર્તાય આવે. આંગણા પાસે બનાવટ નથી. ઘણીવાર તો આંગણા થકી કુટુંબની ઓળખ પણ થઈ શકે. તે ઘરના ચહેરા સમાન છે. આંગણું નિષ્પક્ષ છે. તેની પાસે કશું સંતાડવાનું નથી.
આંગણામાં એક સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ સંભવી શકે. એક તરફ બાળકો રમતા હોય તો બીજી તરફ ઘરની નાર પાપડ સૂકવતી હોય. એક તરફ આત્મીય મહેમાન સાથે વાતોમાં ઊંડાણ સ્થપાતું હોય તો બીજી તરફ ઘરનો પાળેલો કૂતરો ઝાંપા પાસે બેઠો હોય. એક તરફ બળતણ માટેની સાંઠીઓનો ઢગલો કરાયેલ હોય તો અન્ય તરફ ગાયમાતાનું સ્થાન હોય કે કુંભારનો ચાકડો ફરતો હોય. રાત્રિના સમયે અહીં ખાટલા ઢળાઈ જતા હોય તો દિવસમાં વચ્ચે રહેલ તુલસી ક્યારાની પવિત્રતા જળવાતી હોય. ઉનાળામાં અહીં ઝાડનો છાંયડો અગત્યનો બની રહેતો હોય તો શિયાળામાં સૂરજનો કૂણો તડકો માણવાની તક પણ અહીં જ મળતી હોય. આંગણું જાણે ઘરનો ખુલ્લામાં પ્રસરતો વિસ્તાર છે. આંગણું જ ઘરને એક ઉચ્ચ પ્રકારનો અર્થ આપી શકે. જાેકે પ્રાચીન શહેરોમાં પરાંના આવાસમાં આ પ્રકારના આંગણાની ભવ્યતા જાેવા મળે.
એક રીતે જાેતા આંગણું એ ઘર અને શેરી વચ્ચેનું અંતરાલ છે. તે એક વચગાળાના સ્થાન તરીકે કાર્ય કરે છે. શેરી એ સંપૂર્ણ જાહેરસ્થાન છે જ્યારે ઘર એ એક રીતે જાેતા સંપૂર્ણ અંગત સ્થાન છે. આંગણું આ બે વચ્ચેનો ગાળો છે જે આ બે વિરોધી બાબતોને નરમાશથી પરસ્પર સાંકળી દે છે. આંગણું ઘર અને શેરીને જાેડતું માધ્યમ છે - તે ઘર પણ નથી અને શેરી પણ નથી અથવા તો તે ઘર પણ છે અને શેરી પણ છે. આંગણાની આવી સંભાવના એ સ્થાપત્યની એક અનેરી ઘટના છે. આ સંભાવનાનો પરંપરાગત જીવનશૈલીમાં ખૂબ અસરકારક ઉપયોગ થતો રહ્યો છે.