ન્યુ દિલ્હી, તા.૩૧
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) દ્વારા લેબોરેટરી મોનિટરીંગ ડેટાના વિશ્લેષણ પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના હુમલાનો દર ૦.૦૦૩૩૨ ટકા છે. મતલબ કે, ભારતમાં પ્રતિ મિલિયન (૧૦ લાખ) લોકોએ ૩૩.૨ લોકો સંક્રમિત છે. આ આંકડો અન્ય દેશોમાં હુમલાના દરથી ખૂબ જ ઓછો છે.
યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના અહેવાલ પ્રમાણે અમેરિકામાં આ દર ૦.૨૫૨૩ ટકા, ફ્રાંસમાં ૦.૩૩૬૪ ટકા, બ્રિટનમાં ૦.૧૯૬૨ ટકા અને કેનેડામાં ૦.૦૮૯૯ ટકા છે. આઈસીએમઆર-નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજીના વૈજ્ઞાનિક ડોક્ટર તરૂણ ભટનાગરે જણાવ્યું કે, આ વિશ્લેષણ વિભિન્ન આઈસીએમઆર પ્રયોગશાળાઓના આંકડાઓ પર આધારીત અને વ્યાપક છે.
પ્રી-પ્રિન્ટ અભ્યાસમાં ભારતે ૨૨મી જાન્યુઆરીથી ૩૦મી એપ્રિલ દરમિયાન ૧.૦૨ મિલિયન થી વધુ લોકોનું પરીક્ષણ કર્યું તેમ જણાવાયું છે. અભ્યાસ પ્રમાણે કોરોનાના હુમલાનો દર ૫૦થી ૬૯ વર્ષની ઉંમર ધરાવતા લોકોમાં સૌથી વધુ ૬૩.૩ (પ્રતિ ૧૦ લાખ) અને ૧૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવનારાઓમાં સૌથી ઓછો ૬.૧ (પ્રતિ ૧૦ લાખ) છે. મહિલાઓ (૨૪.૩ પ્રતિ ૧૦ લાખ)ની તુલનાએ પુરૂષો (૪૧.૬ પ્રતિ ૧૦ લાખ) માં હુમલાનો દર વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ૨૬મી મે સુધી ભારતમાં પ્રતિ એક લાખ લોકોએ ૧૦.૭ કેસ નોંધાયા જ્યારે અમેરિકામાં ૪૮૬, બ્રિટનમાં ૫૦૪, બેલ્જિયમમાં ૪૯૯ અને મેક્સિકોમાં ૫૨.૨ કેસ નોંધાયા. ભારતના ૭૩૬ જિલ્લાઓમાંથી ૫૨૩ જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે.