દરભંગા-
કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશની સામે ત્રીજી લહેરનું સંકટ ચાલી રહ્યું છે. આ દરમિયાન બિહારના દરભંગામાં ચિંતા વધારનારી ઘટના બની છે. અહીં દરભંગા મેડિકલ કૉલેજમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ બાળકોના મોત થયા છે. દરભંગા મેડિકલ કૉલેજ હૉસ્પિટલના પ્રિન્સિપલ પ્રમાણે બાળકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી, તેમનામાં ન્યુમોનિયા જેવા લક્ષણો હતા. બાળકોની હાલત ઘણી જ ગંભીર હતી. હૉસ્પિટલ પ્રમાણે ૪ માંથી એક બાળક કોરોના પોઝિટિવ હતુ, જ્યારે બાકીના ૩ કોવિડ નેગેટિવ હતા.
દેશમાં અત્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જે અત્યારે કેટલીક હદ સુધી કાબૂમાં આવી છે, પરંતુ આ રીતે અચાનક ૨૪ કલાકમાં ૪ બાળકોના મોત થવા ચિંતા વધારનારું છે. ચિંતા એ કારણે પણ વધે છે, કેમકે એક્સપટ્ર્સે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધારે ખતરો બાળકો પર જ છે. કોરોના સંકટની વચ્ચે બાળકોના મોત થવાથી સૌ કોઈ ચોંકી ગયું છે. જન અધિકાર પાર્ટીના અધ્યક્ષ પપ્પૂ યાદવે પણ આ મુદ્દે પ્રશ્ન કર્યો છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, દરભંગામાં ૪ બાળકોના મોત કોરોનાથી થયા. આ પહેલીવાર છે કે આટલી સંખ્યામાં બાળકો કોરોનાનો શિકાર થયા છે. સ્પષ્ટ સંકેત છે કે ત્રીજી લહેરનો કહેર શરૂ થઈ ગયો છે. સરકારો પોતાની પીઠ થપથપાવવામાં મસ્ત છે.’ પપ્પુ યાદવે પોતાના ટ્વીટમાં ચારેય બાળકોના મોતનું કારણ જણાવ્યું છે. જાે કે હૉસ્પિટલ પ્રમાણે ફક્ત એક જ બાળક કોવિડ પોઝિટિવ હતુ. જાે આંકડાઓ તરફ જાેઈએ તો બિહારમાં કોવિડની બીજી લહેરની અસર કેટલીક હદ સુધી ઓછી થઈ છે. ગઈકાલે પણ બિહારમાં દોઢ હજારથી ઓછા કેસ નોંધાયા. હવે રાજ્યમાં ૧૯ હજારથી ઓછા એક્ટિવ કેસ બાકી છે. બિહારમાં કોરોનાના કારણે ૫ હજારથી વધારે લોકોના મોત થયા છે.