વોશિંગ્ટન-
બે દિવસ પૂર્વે જ વિશ્વની મહાસતા એવા અમેરિકાની શાસનધુરા સંભાળનારા અમેરિકી પ્રમુખ જો બાઇડેને એવો ગર્ભીત ઇસારો કર્યો છે કે દેશમાં કોરોના હજાુ કાબુમાં આવે તેમ નથી અને 6 લાખ અમેરિકનોનો ભોગ લઇ શકે છે.સતા સંભાળ્યા બાદ કામગીરીની પ્રાથમિકતામાં કોરોના સામેનો જંગ ટોચ પર હોવાનું જણાવતા બાઇડેને એમ કહ્યું હતું કે આ મહામારીથી 6 લાખ અમેરિકનોના મોત થઇ શકે છે. કોરોનાથી અમેરિકાને ઘણું નુકસાન છે. મહામારી હજાુ કાબુમાં નથી, વકરી જ રહી છે, ચાર લાખ લોકોનો ભોગ લેવાય જ ચુક્યો છે જે આંકડો છ લાખ સુધી પહોંચી શકે છે. આવતા મહિનામાં જ દેશમાં મૃત્યુઆંક પાંચ લાખને વટાવી શકે છે.અમેરિકામાં કોરોનાની હાલત ખરાબ જ છે અને દરરોજ બે લાખ આસપાસ નવા કેસ નોંધાવા સાથે ચાર હજાર લોકોના મોત થઇ રહ્યા છે જ્યારે બીજા વિકસીત દેશ એવા બ્રિટનના વડાપ્રધાને પણ કોરોના વિશે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે.
દરમિયાન વિશ્વમાં કોરોનાના અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 10 કરોડની નજીક પહોંચાડવા લાગી છે. આજે કુલ આંકડો 9.87 કરોડે પહોંચ્યો હતો તેમાંથી 7.09 કરોડ સાજા થઇ ગયા છે. મૃત્યુઆંક 21 લાખને પાર થઇને 21.16 લાખ પર પહોંચ્યો છે.વર્લ્ડોમીટર વેબસાઇટના રીપોર્ટ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દુનિયામાં 6.52 લાખ કેસ નોંધાયા હતા. જ્યારે 15953 લોકોનો ભોગ લેવાયો હતો. અમેરિકામાં જ સૌથી વધુ કહેર હોય તેમ 1.92 લાખ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3886 લોકો ભોગ બન્યા હતા. બ્રાઝીલમાં નવા કેસોની સંખ્યા 55319ની થઇ હતી અને 1071 લોકોના મોત નિપજયા હતા. રશિયામાં નવા કેસ 21513 હતા. બ્રિટનમાં નવા 40261 કેસ નોંધાયા હતા અને 1401 લોકોનો ભોગ લેવાયો હતો. આ સિવાય ફ્રાંસમાં 23292, સ્પેનમાં 42885, ઇટલીમાં 13633, જર્મનીમાં 16366, કોલંબીયામાં 15073, આર્જેન્ટીનામાં 10753, મેકસીકોમાં 22339 કેસ નોંધાયા હતાં.