વોશિંગ્ટન-
કોરોના મહામારી મુદ્દે શરૂઆતથી જ ચીન ઉપર શાબ્દિક હુમલો કરનારા, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચીનને ઘેર્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે, કોરોના વાયરસ એ ચીનનો જ વાયરસ છે. જે વુહાનની લેબોરેટરીમાંથી બહાર આવ્યો છે. અને વિશ્વભરમાં ફેલાવ્યો છે. અમેરિકા સહીત વિશ્વભરમાં કોરોના થકી તબાહી મચાવવા માટે ચીને ૧૦ ટ્રિલીયન અમેરિકન ડોલર ચૂકવવા જાેઈએ તેમ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે.
ફેસબુક અને ટવીટર જેવા સોશિયલ મીડિયામાં પ્રતિબંધિત ઠરેલા અમેરિકાના પૂર્વ રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે, એક નિવેદન બહાર પાડીને પોતાની વાત રજૂ કરી છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદનમાં જણાવ્યુ છે કે, હવે દરેક જણા, કહેવાતા દુશ્મન પણ કબુલે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસના ઉદભવ સ્થાન અંગે સાચા હતા. આ વાયરસ ચીનના વુહાનમાંથી જ બહાર આવ્યો છે. કોરોનાથી વિશ્વભરમાં મચેલી તબાહી માટે ચીને અમેરિકા અને વિશ્વને ૧૦ ટ્રિલિયન અમેરિકી ડોલર ચૂકવવા જાેઈએ. વિશ્વભરના મોટાભાગના નિષ્ણાતોએ કોરોના વાયરસના મૂળ ઉદભવ સ્થાન અંગે ચીન પર અંગુલી નિર્દેશ કર્યો છે. આટલું જ નહીં, હવે અમેરિકાના પ્રેસિડેન્ટ જાે બિડેનના વહીવટ તંત્ર ઉપરાંત બ્રિટન તેમજ ભારત સહીતના દેશોએ કોરોના વાયરસ સંબધે નવેસરથી તપાસ કરવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર દબાણ લાવવાની માંગ કરી છે. વિશ્વમાં કોરોનાનો સૌ પ્રથમ કેસ વુહાન શહેરમાં જ જાેવા મળ્યો હતો અને તે પછી તે સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો.