વોશિંગ્ટન-
કોરોના વાયરસના કારણે આજે પણ વિશ્વમાં દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેરે પણ અનેક લોકોનો ભોગ લીધો છે અને અમુક દેશોમાં તો ત્રીજી લહેર પણ આવી પહોંચી છે. એક રિપોર્ટ પ્રમાણે કોરોનાનો વૈશ્વિક મૃતકઆંક ૪૦ લાખના આંકડાને પાર કરી ગયો છે.
પોતાના નાગરિકોને બચાવવા માટે અનેક દેશોએ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે પરંતુ ઝડપથી સ્વરૂપ બદલી રહેલો કોરોના વાયરસ ચિંતાનું કારણ બન્યો છે. આલ્ફાથી લઈને સૌથી ખતરનાક કોરોના વેરિએન્ટ ડેલ્ટા હજુ પણ લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે.એક અહેવાલ પ્રમાણે કોરોના વાયરસના મૃતકઆંકને ૨૦ લાખ સુધી પહોંચવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો અને તેના પછીના ૨૦ લાખ સુધી પહોંચવામાં ફક્ત ૧૬૬ દિવસ જ નોંધાયા છે.વિશ્વના કુલ મૃત્યુની વાત કરીએ તો ટોચના ૫ દેશો સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રાઝિલ, ભારત, રશિયા અને મેક્સિકોમાં વિશ્વના ૫૦ ટકા જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે પેરૂ, હંગરી, બોસ્નિયા, ચેક ગણરાજ્ય અને જિબ્રાલ્ટરમાં મૃત્યુ દર સૌથી ઉંચો છે.
બોલિવિયા, ચિલી અને ઉરૂગ્વેની હોસ્પિટલોમાં ૨૫થી ૪૦ વર્ષની ઉંમરના કોરોના પેશન્ટ વધુ પ્રમાણમાં જાેવા મળી રહ્યા છે. કારણ કે, પહેલી લહેર બાદ બીજી લહેરમાં યુવાનો ખૂબ સંક્રમિત થયા હતા. જ્યારે બ્રાઝિલના સાઓ પાઉલોમાં આઈસીયુમાં રહેનારાઓમાંથી ૮૦ ટકા કોરોનાના દર્દીઓ છે. વધી રહેલા મૃતકઆંકના કારણે વિકાસશીલ દેશોમાં સ્મશાનમાં મૃતદેહ દફનાવવા કબરોની તંગી વર્તાઈ હતી. ભારત અને બ્રાઝિલ એવા દેશ છે જે ૭ દિવસની સરેરાશમાં દરરોજ સૌથી વધારે મૃત્યુ રિપોર્ટ કરી રહ્યા છે તથા હજુ પણ દાહ સંસ્કાર અને દફન માટેની જગ્યાની તંગીથી પરેશાન છે. અનેક સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (વુ)એ ગત મહિને સત્તાવાર મરનારાઓની સંખ્યાને વિશ્વ સ્તરે ઓછી કરીને આંકી છે.