વડોદરા, તા.૬
રસીનો સ્ટોક ખૂટી જતાં વડોદરા કોર્પોરેશને ૪પ થી વધુ વર્ષના નાગરિકોને રસી આપવાનું બે દિવસ બંધ રાખ્યા બાદ આજે ૩૭ કેન્દ્રો પર રસી આપવામાં આવી હતી. જેમાં ૧૦,૪૪૩ નાગરિકોને રસી આપવામાં આવી હતી. જ્યારે ૧૮ થી ૪૫ વર્ષની વયના ૩૬૭૧ લોકોને રસી આપવામાં આવી હતી. કેટલાક કેન્દ્રો પર રસી લેવા માટે લોકોની લાંબી કતારો લાગેલી જાેવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા ૩૦ હજાર ડોઝ ફાળવવામાં આવતાં પાલિકા દ્વારા બ દિવસ ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો માટે બંધ રાખવામાં આવેલ રસીકરણ અભિયાન આજથી ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આજે ૩૭ કેન્દ્રો પર ૪૫ વર્ષથી વધુ વયના ૧૦,૪૪૩ નાગરિકોને રસી અપાઈ હતી. આમ અત્યાર સુધીમાં ૪૫થી વધુ વય ધરાવતા ૫,૧૯,૯૬૪ લોકોને રસી આપી દેવાઈ છે. આ કેટેગરીમાં લોકો માટે રસી આપવાના ટાર્ગેટ ૯,૪૩,૯૦૬ની સામે અત્યાર સુધીમાં પપ ટકા લોકોને રસી આપવામાં આવી છે. જેમાં સેકન્ડ ડોઝનું કામ પણ અડધું પૂરું કરવામાં આવ્યું છે. જાે કે, આજે રસી લેવા માટે કેટલાક કેન્દ્રો પર લાઈનો જાેવા મળી હતી. જ્યારે ૧૮થી ૪૫ વર્ષ સુધીના વયના લોકોને ૩૮ કેન્દ્રો પર ૩૬૭૧ને રસી આપવામાં આવી છે. આમ આ વયજૂથના ૩૫૦૩૪ લોકોને અત્યાર સુધી રસી આપવામાં આવી છે. આવતીકાલે ૪૫થી વધુ વયના લોકોને ૪૬ કેન્દ્રો પર અને ૧૮થી ૪૫ વર્ષની વયના લોકોને ૩૭ કેન્દ્રો પર રસીકરણ રાબેતા મુજબ ચાલુ રહેશે.