કોરોના રસીકરણથી નાગરિકોને કોરોના સામે લડવાનો સધિયારો મળશે : મંત્રી યોગેશ પટેલ

આણંદ : આજથી શરૂ થયેલાં સૌથી મોટા રસીકરણનો આણંદ-કરમસદ ખાતેની કરમસદ મેડિકલ કોલેજ ખાતેથી શુભારંભ નર્મદા રાજ્ય વિકાસ મંત્રી યોગેશ પટેલે કરાવ્યો હતો. સૌખી પહેલી રસીનો પ્રથમ ડોઝ કરમસદ મેડિકલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના ડૉ.સોમ શિખર અને ડૉ.અર્ચના નિમ્‍બાલકરે લીધો હતો.  

આ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમથી દેશના નાગરિકોને કોરોના સામે લડવાનો સધિયારો મળ્યો છે. કોરોના સામેના યુદ્ધમાં જીવનને હોડમાં મૂકી કોરોના દર્દીઓની સારવારમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર આરોગ્ય કર્મીઓની સેવા ભાવનાને તેઓએ બિરદાવી ઉત્તમ સેવાની પ્રેરણાં પૂરી પાડવા બદલ અભિનંદન આપ્યાં હતાં. આ પ્રસંગે તેઓએ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરવા કટિબદ્ધ હોવાની ખાતરી ઉચ્ચારી હતી. કોરોનાના કસોટી કાળમાં સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત મૂલ્યોના દર્શન કરાવવા બદલ કોરોના વોરિયર્સ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને પ્રાથમિકતા ક્રમ ધરાવતાં તમામ કોરોના વોરિયર્સને રસીના બે ડોઝ અચૂકપણે લેવા અનુરોધ કર્યો હતો.

તેઓએ કહ્યું હતું કે, ભારતની વેકિસનની સમગ્ર વિશ્વમાં વિશ્વસનિયતા ખૂબ વધારે છે. જેનો સક્સેસ રેટ ૯૭ ટકા જેટલો છે. આ વેકિસનની કોઇ આડઅસર નથી, જેથી વેકિસન લેવા બાબતે કોઇએ ગભરાવની કે ડરવાની જરૂર નથી.

કરમસદ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલાં રસીકરણના પ્રારંભે હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના ડૉ.સોમ શિખર અને કોરોના રસીકરણના પ્રારંભે કોરોના વેકિસનનું કવચ ગ્રહણ કરતાં ડૉ.સોમ શિખર અને ડૉ. અર્ચના નિમ્‍બાલકરે કહ્યું હતું કે, અમારાંથી વધારે વેકિસન માટે કોણ સમજી શકવાનું હતું. બાળકના જન્‍મથી જ આપણે જેમ બાળકોને અલગ-અલગ રસીઓ આપીએ છીએ, તેવી જ આ રસી છે. અમને રસી લીધા પછી કોઇ તકલીફ નથી થઇ. ખૂબ જ સરળતાથી લીધી છે. આ કોવિડ વેકિસન બીજી વેકિસન જેવી જ છે. કોરોના વેકિસન લેવાથી કોરોના સામે એટેકિંગ પાવરનું કામ કરશે, જે કોરોના વાયરસને નબળો પાડવાનું કામ કરશે. તેઓએ જેમ બાળકોને રસી આપવામાં અચકાતાં નથી, તેમ નાગરિકોએ પણ આ રસી લેતાં ખચકાવું ન જાેઇએ. કોરોના રસી બીજી રસી જેવી છે, તે કેટલાં ટકા છે? તેમાં ન પડતાં કોરોના રસીથી ડરવાની જરૂર નથી, પરંતુ આ રસી લઇને પોતાની જાતને સુરક્ષિત કરવી જાેઇએ. 

પ્રારંભમાં જિલ્‍લા વિકાસ અધિકારી આશિષકુમારે સ્વાગત પ્રવચન કરી આજના રસીકરણ કાર્યક્રમની ટૂંકી રૂપરેખા રજૂ કરી હતી. રસીકરણના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્સાહવર્ધક પ્રવચનમાં સૌ સામેલ થયાં હતાં. રાજ્યની કોરોના સ્થિતિનો ચિતાર રજુ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં કુલ ૨૭ હજારથી વધુ રસીકરણ બુથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ૪.૪૦ લાખ હેલ્થ વર્કર્સને તાલીમબદ્ધ વેક્સિનેટર દ્વારા રસી આપવામાં આવશે. રાજ્યમાં કુલ ૨૨૩૬ કોલ્ડચેઇન પોઇન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોવિડને અનુરૂપ વ્યવહાર સાથે એક સેશન સાઇટ પર સો લાભાર્થીઓને રસીકરણ આપવામાં આવશે. એક વેક્સિનેટર અને અન્ય ચાર વેક્સિનેશન અધિકારીઓ લાભાર્થીઓ‌ની સેવામાં ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમમાં ચારૂતર આરોગ્‍ય મંડળના ટ્રસ્‍ટીઓ, કરમસદ મેડિકલ હોસ્પિટલના તબીબો, કરમસદ નગરપાલિકાના પ્રમુખ, પ્રાંત અધિકારી શ્રીમતી જે.સી.દલાલ, મામલતદાર (ગ્રામ્‍ય) આર. બી. પરમાર, રસી લેનાર આરોગ્ય વિભાગના લાભાર્થીઓ, ખાનગી ડૉક્ટર્સ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution