ઉ.ગુ.માં કોરોના સંક્રમણે વેગ પકડ્યો : વધુ ૮૪ પોઝિટિવ

મહેસાણા : ઉત્તર ગુજરાતમાં કોરોનાએ નવો રાઉન્ડ શરૂ કર્યો હોય તેમ ફરીથી રોજેરોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. શનિવારે મહેસાણા જિલ્લામાં ૩૨, પાટણમાં ૩૧, બનાસકાંઠામાં ૧૧ અને સાબરકાંઠામાં ૧૦ મળીને કુલ ૮૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. રાજકોટમાં કોરોના નિયંત્રણ કામગીરી માટે ખાસ મૂકાયેલા મહેસાણાના ડીઆરડીએ નિયામક મેહુલ દવેની તબિયત બે-ત્રણ દિવસથી લથડી હતી, જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, શનિવારે જિલ્લામાં વધુ ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ મહેસાણા શહેર-તાલુકામાં ૨૦ કેસ નોંધાયા છે. મહેસાણાના રામોસણા ચોકડી, મોઢેરા રોડ, માલગોડાઉન રોડ, વિસનગર રોડ, ટીબી રોડ, આનંદપુરા, પાલાવાસણા (ઓએનજીસી), રામોસણા ઓજી વિસ્તાર, દેદિયાસણ, દેલા, મોટપ અને ટુંડાલી ગામમાં કુલ ૨૦ કેસ, ઊંઝાના સ્ટેશન રોડ, ઉપેરા અને ભાંખરમાં ૪ કેસ, કડીના આદુંદરા રોડ, આદુંદરા ગામ, કુંડાળ અને માથાસુરમાં ૪ કેસ, વિજાપુરના ગોવિંદપુરા જૂથ વિસ્તારમાં ૧, વિસનગરના કડામાં ૧, સતલાસણામાં ૧ અને વડનગરમાં ૧ કેસ નવો નોંધાયો છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે હાલમાં જિલ્લામાં ૨૭૫ એક્ટીવ કેસ સારવાર હેઠળ છે.પાટણ જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા ૩૧ કેસ પ્રકાશમાં આવ્યા હતા. જે સાથે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ૧૫૮૬ પહોંચ્યો છે. પાટણ શહેરમાં બાલાપીરની શેરી, ઇન્દ્રલોક સોસાયટી, તિરુપતિ રાજ ટેનામેન્ટ, જન્મભૂમિ બંગ્લોઝ, શાસ્ત્રી નગર સોસાયટી અને નાનીસરા તેમજ તાલુકાના ધારપુર કેમ્પસ, શંખારી, માતપુર, બોરસણ અને સંડેર ગામનો મળી કુલ ૧૩ કેસ, ચાણસ્મા તાલુકાના ધીણોજ, બ્રાહ્મણવાડા, પલાસર, જસલપુર અને પંચાસર ગામના મળી કુલ ૫ કેસ, હારીજ શહેરના સિદ્ધેશ્વરી સોસાયટી અને તાલુકાના બોરતવાડા ગામનો મળી કુલ ૨ કેસ, સમી તાલુકાના ગુજરવાડા ગામનો ૧ કેસ શંખેશ્વર તાલુકાના કુવારદ ગામનો ૧ કેસ, સિધ્ધપુર શહેરના વખારિયા વાસ રાજપુર તાલુકાના સમોડા, ગણેશપુરા, કનેસરા અને કાલેડા ગામના મળી કુલ ૫ કેસ, રાધનપુર શહેરમાં ગ્રીન પાર્ક સોસાયટી અને તાલુકાના શબ્દલપુરા અને હિરાપુરા ગામના મળી કુલ ૩ કેસ સાંતલપુર તાલુકાના વારાહીની શિવમ સોસાયટીમાં ૧ કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત કુલ ૬૩ લોકો મૃત્યુ પામ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લામાં શનિવારે વધુ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૩૦૭ પહોંચી ગઈ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution