ન્યુ યોર્ક-
દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો હવે 9.19 કરોડને પાર થઈ ગયો છે અને 6 કરોડ 80 લાખ લોકો સાજા થઈ ચૂક્યા હોવા છતાં કોરોનાએ 19 લાખ 68 હજાર લોકોનો ભોગ લીધો છે.
મિડિયાના હેવાલ પ્રમાણે અમેરીકામાં કોરોના હજી ભારે તારાજી ફેલાવે છે અને લોકોમાં ભયનો માહોલ યથાવત છે. અહીં કોરોનાથી મોતનો આંકડો વધી રહ્યો છે અને મંગળવારે એક જ દિવસમાં ચાર હજાર લોકોનાં મોત થયા હતા. અહીં કોરોના રસીકરણ શરૂ થઈ ગયું હોવા છતાં કોરોના સંક્રમણ કોઈ રીતે ઘટતું નથી. હોપકિંસ યુનિવર્સિટી થકી માહિતી મળે છે કે, અહીં કોરોનાને પગલે અત્યાર સુધીમાં 3.89 લાખ લોકોનાં મોત થયા છે. મંગળવારે એક જ દિવસમાં અહીં 22 હજાર નવા કેસ નોંધાયા હતા. અહીં 9 લાખ લોકોને રસી લગાવાઈ ગઈ છે.
નેધરલેન્ડમાં હાલમાં લોકડાઉન ચાલુ છે અને સરકારે જાહેર કર્યું છે કે, તેમાં કોઈ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે. અહીં આ પ્રકારનો પ્રતિબંધ કડકપણે અમલી બનાવાશે અને તેમાં કોઈપણ છૂટછાટ નહીં અપાય એમ આરોગ્યખાતાએ જાહેર કર્યું છે. અહીં લોકડાઉન પણ વધુ ત્રણ સપ્તાહ સુધી લાગુ કરી દેવાયો છે. અહીં સંક્રમણ ઓછું થતું નથી અને નવો વેરીઅન્ટ પણ મળ્યો છે.