શહેર અને જિલ્લામાં કોરોના કહેર યથાવત - વધુ સાત દર્દીઓનાં મોત

વડોદરા

કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે ત્યારે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. દેશના રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોના અંતર્ગત આજે ૧૧૧ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૮,૯૧૨ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧૭૪૨૩ લોકો કોરોનાને માત આપી ચૂકયા છે. આજે ૭ વ્યક્તિઓના બિનસત્તાવાર મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં એકપણ મોત જાહેર ન કરતાં સત્તાવાર મૃત્યુઆંક ૨૨૭ પર યથાવત્‌ રહ્યો હતો. આજે ૧૦૩ જેટલા દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ૧૮ દર્દીઓ સરકારી, ૦૩ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૮૨ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ સંખ્યા ૧૭,૪૨૩ થઈ હતી.

મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે માંડવી, કારેલીબાગ, નવાયાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ કવાર્ટર્સ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના કોયલી, શિનોર, પોર, ડભોઈ, કરજણ, વાઘોડિયા, પાદરા સહિતના વિસ્તારોમાં કુલ ૩૯૯૭ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૮૮૬ નેગેટિવ અને ૧૧૧ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૨૬૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૫૫ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૫૬ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૦૫૧ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે આવેલા ૧૧૧ કોરોનાના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૪૧ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૯, ઉત્તર ઝોનમાં ૧૯, પશ્ચિમ ઝોનમાં ૧૬ અને પૂર્વ ઝોનમાં ૧૬ કેસોનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution