વોશિંગ્ટન-
દુનિયાના કેટલાંય દેશોમાં કોરોનાની રસી આવવા છતાંય વાયરસનો ખતરો વધતો જઇ રહ્યો છે. દુનિયાના દરેક ખૂણામાંથી નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૭.૧૧ લાખ નવા કેસ સામે આવ્યા અને રેકોર્ડ ૧૩૩૬૨ સંક્રમિતોના મોત થતા હાહાકાર મચી ગયો છે. આની પહેલાં ૧૧ ડિસેમ્બરના રોજ સૌથી વધુ ૭.૧૨ લાખ કેસ અને ૧૦ ડિસેમ્બરના રોજ સૌથી વધુ ૧૨૯૪૯ લોકોના મોત થયા હતા.
કોરોના વાયરસની સૌથી વધુ અસર અમેરિકામાં જાેવા મળી રહી છે. અમેરિકામાં છેલ્લાં ૨૪ કલાકમાં ૩૭૦૦ લોકોના મોત થયા છે. જ્યારે ૨.૫૦ લાખ નવા કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે.
કોરોના વાયરસની સૌથી વધુ અસર અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં જાેવા મળી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી દુનિયાના સૌથી તાકાતવાર દેશ અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે. ત્યારબાદ બ્રાઝીલ, મેક્સિકો, જર્મની, ઇટલી, યુકે, પોલેન્ડ, રૂસ, ભારતમાં મોતના સૌથી વધુ કેસ આવ્યા.
દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૭ કરોડ ૪૫ લાખને પાર કરી ગયો છે. ૧૭ લાખ ૫૪ હજારથી વધુ લોકોનું કોરોના વાયરસથી મોત થયું છે. જાે કે ૫ કરોડ ૨૩ લાખ લોકો આ ખતરનાક બીમારીથી સ્વસ્થ પણ થઇ ચૂકયા છે. કુલ ૭ કરોડમાંથી બે કરોડ લોકો હજુ પણ સંક્રમિત છે તેમની સારવાર ચાલી રહી છે.
વિશ્વના ૨૫ દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫ લાખથી પાર પહોંચી ગઇ છે. જેમાં ઇટાલી, પેરુ, દક્ષિણ આફ્રિકા, ઈરાન, જર્મની, પોલેન્ડ અને ચિલીનો સમાવેશ થાય છે. વિશ્વના ૧૭ દેશોમાં ૨૦ હજારથી વધુ કોરોના દર્દીઓના મોત થયા છે. તેમાંથી ૧૧ દેશો એવા છે જ્યાં ૪૦ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તો ૫૪ ટકા લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશો અમેરિકા, બ્રાઝિલ, ભારત, મેક્સિકો, બ્રિટન, ઇટાલી છે.