વડોદરા : શહેરમાં કોરોનાની સારવાર લેતા એક સિકયુરિટી જવાન સહિત આજે ૧૨ દર્દીઓના મોત નીપજ્યાં હતાં. તદ્ઉપરાંત આજે વધુ નવા ૧૧૬ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૭૫૭૬ થઈ હતી. આજે ડેથ ઓડિટ કમિટીએ વધુ બે દર્દીઓનાં કોરોનાના કારણે મોત થયાને સમર્થન આપતાં કોરોના દર્દીઓનો મૃત્યુઆંક ૧૩૬ થયો હતો. તો બીજી તરફ આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૦૮ દર્દીઓને ડિસ્ચાર્ઝ આપવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૫૮૭ દર્દીઓ પૈકી ૧૬૧ દર્દીઓ ઓક્સિજન પર, ૫૯ વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૩૬૭ દર્દીઓની હાલત સ્થિર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું છે.
આજે સાંજ સુધીમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના તેમજ ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૨૩૫૫ જેટલા શંકાસ્પદ કોરોનાની વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૧૧૬ પોઝિટિવ અને ૨૨૩૯ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે આવેલા ૧૧૬ પોઝિટિવ કેસોમાં વડોદરા રૂરલમાંથી ૩૪, પશ્ચિમ ઝોનમાંથી ૨૭, ઉત્તર ઝોનમાંથી ૨૧, પૂર્વ ઝોનમાંથી ૨૦ અને દક્ષિણ ઝોનમાંથી ૧૪ દર્દીઓનો સમાવેશ થાય છે.કોરોનાની સારવાર લઈ રહેલા અને મરણ પામેલા દર્દીઓમાં ગોધરાના કાછિયાવાડ ખાતે રહેતા ૮૮ વર્ષના વૃદ્ધ કોરોનાના લક્ષણો, તાવ, શરદી અને ખાંસીની બીમારીમાં સપડાતાં તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા બાદ શહેરની ખાનગી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બોડેલીના ઉચાતલા ગામે રહેતા ૪૮ વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ સાથે ગોત્રી ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.
શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલ વિજયનગરમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ છેલ્લા ત્રણ ચાર દિવસથી તાવ અને ખાંસીની તકલીફ થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનો તબીબોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો રિપોર્ટ આવ તે પૂર્વે જ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આ સહિત ૧૨ દર્દીઓના સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા. આ તમામ મૃતકોની અંતિમવિધિ કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.
રૂા.૧૩ લાખના ખર્ચના બિલને મંજૂરી માટે એડ્વાઈઝરી કમિટીને મોકલી અપાયું
સયાજીમાં કોરોના વોરિયર્સ તરીકે કોરોનાની મહામારીના પ્રારંભથી સેવા આપી રહેલા નર્સ્િંાગ સ્ટાફ, સિકયુરિટી ગાર્ડ અને ચોથા વર્ગના કર્મચારીઓ માટે ફૂડ પેકેટ સપ્લાયના ખર્ચનું બિલ રૂા.૧૩ લાખ જેટલું ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટની સામે આવતાં ચોંકી ઊઠેલા સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે ફૂડ પેકેટના સપ્લાયના કોન્ટ્રાક્ટ ઉપર રોક લગાવી ભોજન સેવા બંધ કરાવી હતી, તેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે હોસ્પિટલના કિચનમાંથી ભોજન સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનાથી કોરોનાની વૈશ્વિક મહામારી શરૂ થઈ હતી જે હાલ પણ મહામારીનો સમય ચાલી રહ્યો છે તેવા સમયે સયાજી હોસ્પિટલના નર્સ્િંાગ એસોસિયેશનના સેક્રેટરી તરફથી શરૂઆતમાં માર્ચ મહિનામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહરેલા નર્સ્િંાગ સ્ટાફ અને ચોથા વર્ગના કર્મચારીઓ મળી રોજના ર૦૦થી રપ૦ જેટલા કર્મચારીઓ, સ્ટાફના જમવા માટે ટિફિન સેવા આપી રહ્યા હતા. ત્યાર બાદ કોરોનાનો કાળ લાંબો ચાલ્યો હોવાથી ટિફિન સેવા ચાલુ રાખવામાં આવી હતી. જાે કે, ટિફિન સપ્લાયનો ખર્ચ વધુ આવતાં હોસ્પિટલના પૂર્વ અધિકારીઓ દ્વારા મૌખિક સૂચનાથી પેઈડ ટિફિન સપ્લાય ચાલુ રાખવામાં આવ્યું હતું. જાે કે, આ ટિફિન સપ્લાયનો ખર્ચ વધી જતાં બેથી અઢી મહિનાના ખર્ચનું બિલ નસિંગ એસોસિયેશનના સેક્રેટરી કમલેશ પરમારે રૂા.૧૨ થી ૧૩ લાખનું બિલ હોસ્પિટલમાં રજૂ કર્યું હતું. મોટી રકમનું બિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ આવતાં જ તેઓ ચોંકી ઊઠયા હતા અને તાત્કાલિક અસરથી ટિફિન સેવા પર લગામ કસી બંધ કરાવી હતી અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે હોસ્પિટલના કિચનમાંથી કોરોના વોરિયર્સ માટેની સેવાઓ શરૂ કરાવી દીધી હતી. ત્યાર બાદ રૂા.૧૩ લાખના બિલ ચૂકવણી માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મંજૂરી માટે એડ્્વાઈઝરી કમિટીને મોકલી આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ચાર ઝોનના વિસ્તારો રેડઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મુકાયા
શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયે મ્યુનિ. કોર્પોેરેશનના સત્તાધીશો દ્વારા આજે ચારેય ઝોનમાં વિવિધ વિસ્તારોને રેડઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં તબદીલ કરવામાં આવ્યા હતા જેમાં પૂર્વ ઝોનમાંથી ૩૩, પશ્ચિમ ઝોનમાંથી ૩૩, ઉત્તર ઝોનમાંથી ૧૧૪, દક્ષિણ ઝોનમાંથી ૧૧૨ મળી કુલ ૨૯૨ વિસ્તારોને કોરોનાના રેડ ઝોનમાંથી મુક્ત કરી ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા હતા.