આ વર્ષે કોરોના મહામારી સમાપ્ત નહીં થાય, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૃઃ WHO

ન્યૂયોર્ક-

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે વિશ્વને આ વર્ષમાં કોરોના મહામારીમાંથી છુટકારો મળશે નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાના ઈમર્જન્સી ડાયરેક્ટર માઈકલ રેયાને સોમવારે ચેતવણી આપતાં કહ્યું હતું કે એ વિચારવું ખોટું છે કે આ વર્ષમાં કોરોના સામેની લડાઈમાં જીત મળી જશે, પરંતુ હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓ અને મોતને ઓછાં કરીને આ મહામારીથી બહાર આવી શકાશે. તેમણે કહ્યું હતું કે ગત સપ્તાહમાં વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા છે. એના પરથી આપણે શીખવાની જરૂર છે.

બીજી તરફ, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે પશ્ચિમ આફ્રિકી દેશ ઘાના અને કોટ-ડિવોયમાં લોકોને રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. ગત સપ્તાહમાં આ બન્ને દેશોમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ વેક્સિન પહોંચાડી છે. ઘાનાને ૨૪ ફેબ્રુઆરીએ ૬ લાખ વેક્સિનના ડોઝ અને એના બે દિવસ પછી કોટ-ડિવોયને ૫ લાખ ડોઝ મળ્યા હતા.

વિશ્વ આરોગ્ય સંસ્થા ચીફ ટ્રેડોસ ગેબ્રેસિએસે કહ્યું હતું કે ગત સપ્તાહે યુરોપ, અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં કેસ વધ્યા છે. આવું ગત ૭ સપ્તાહમાં પ્રથમવાર બન્યું છે. આ ઘણું નિરાશાજનક છે. એનું મોટું કારણ ઘણા દેશોમાં છૂટછાટ અપાઈ છે. લોકો લાપરવાહી રાખી રહ્યા છે, જેનાથી કોરોના વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution