દિલ્હી-
ભારતમાં આગામી દિવસોમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ ખરાબ થશે તેમ જણાવતાં પ્રખ્યાત સર્જન ડો. દેવી પ્રસાદ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ભારતને હજુ પાંચ લાખ આઈસીયુ બેડ, બે લાખ નર્સીસ અને ૧.૫ લાખ ડોકટર્સની જરૂર પડશે.ભારતમાં હાલમાં ૭૫,૦૦૦થી ૯૦,૦૦૦ આઈસીયુ બેડ છે અને લગભગ આ બધા જ બેડ ભરાઈ ગયા છે. કોરોના મહામારીની બીજી લહેર હજી પીક પર નથી પહોંચી ત્યારે ભારતમાં દૈનિક ૩.૫ ૦ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં કોરોનાના દૈનિક કેસ પાંચ લાખથી વધુ થશે. હાલ મોટાભાગના પ્રસાર માધ્યમોનું ધ્યાન આઈસીયુમાં દર્દીઓ માટે ઓકિસજનની અછત તરફ છે. પરંતુ આગામી સપ્તાહોમાં નર્સીસ અને ડાઙ્ખકટર્સ નહીં હોવાના કારણે આઈસીયુમાં દર્દીઓ મરી રહ્યા હોવાના સમાચારો આવવાની આશંકા છે. નારાયણા હેલ્થના સ્થાપક અને ચેરમેન ડો. શેટ્ટીએ જણાવ્યું હતું કે, આવું થશે અને મને તેમાં કોઈ શંકા નથી. હાલ દેશમાં દરરોજ ૧૫થી ૨૦ લાખ લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે અને તેમાંથી પાંચ ટકા દર્દીઓને આઈસીયુ બેડની જરૂર પડે છે. એક દર્દી સરેરાશ ૧૦ દિવસ આઈસીયુમાં રહે છે. તેથી તમે પરિસ્થિતિની ભયાનકતાની કલ્પના કરી શકો છો. આ પરિસ્થિતિને ટાળવા માટે આપણે આગામી કેટલાક સપ્તાહમાં પાંચ લાખ કરતાં વધુ આઈસીયુ બેડ ઊભા કરવા પડશે.