દિલ્હી-
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર આવી ગઈ છે જ્યાં ઝડપથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વખતે સ્થિતિ ગઈ વખતની તુલનામાં ઘણી ભયાનક છે કારણકે હવે રોજના ૧ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને હાઈલેવલ ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની બેઠકમાં ભાગ લીધો જેમાં કેન્દ્રીય મંત્રી ડૉ. એસ જયશંકર, હરદીપ સિંહ પુરી અને અશ્વિની કુમાર ચૌબે પણ હાજર રહ્યા. આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ ભલે સંક્રમણમાં તેજી આવી હોય પરંતુ મૃત્યુદરમાં ઘણો ઘટાડો થયો છે. વર્તમાન સમયમાં આ ૧.૨૫ ટકા જ છે.
બેઠકમાં ડૉ.હર્ષવર્ધને કહ્યુ કે દેશમાં ૧,૧૯,૧૩,૨૯૨ દર્દી સંપૂર્ણપણે રિકવર થઈ ગયા છે. આપણો રિકવરી દર જે છેલ્લા ૨-૩ મહિનામાં ૯૬-૯૭ ટકા થઈ ગયો હતો તે હવે ઘટીને ૯૧.૨૨ ટકા થઈ ગયો છે. દેશના ૧૪૯ જિલ્લામાં છેલ્લા ૭ દિવસમાં કોવિડનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. આમાં ૮ જિલ્લા તો એવા છે જ્યાં છેલ્લા ૧૪ દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી જ્યારે ૩ જિલ્લામાં ૨૧ દિવસથી કોઈ કેસ સામે આવ્યો નથી. વળી, ૬૩ જિલ્લા ખૂબ જ સુરક્ષિત છે જ્યાં ૨૮ દિવસથી કોઈ કેસ આવ્યો નતી. તેમણે જણાવ્યુ કે દેશભરમાં અત્યારે ૦.૪૬ ટકા દર્દી વેંટીલેટર પર છે જ્યારે ૨.૩૧ ટકા આઈસીયુમાં છે. વળી, ૪.૫૧ ટકા દર્દીઓને ઑક્સિજન સપોર્ટ બેડ પર રાખવામાં આવ્યા છે.
રસીકરણની વાત કરીએ તો શુક્રવારે સવારે ૯ વાગ્યા સુધી ભારતમાં લોકોને ૯,૪૩,૩૪,૨૬૨ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬,૯૧,૫૧૧ ડોઝ આપવામાં આવ્યો. ગયા સપ્તાહે આરોગ્યકર્મીઓએ રેકૉર્ડ બનાવ્યો હતો જ્યાં એક દિવસમાં ૪૩ લાખ ડોઝ આપવામાં આવ્યો હતો. વળી, ભારત અત્યાર સુધી ૮૪ દેશોને ૬.૪૫ કરોડ ડોઝ નિકાસ કરી ચૂક્યો છે. જેમાં ૪૪ દેશોને ૧.૦૫ કરોડ ડોઝ અનુદાન તરીકે જ્યારે ૨૫ દેશોને ૩.૫૮ કરોડ ડોઝ વાણિજ્ય સમજૂતી રૂપે આપવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રીએ કહ્યુ કે જ્યાં સુધી હેલ્થકેર વર્કર્સનો સવાલ છે તો ૮૯ લાખથી વધુને પહેલો ડોઝ મળ્યો છે અને ૫૪ લાખને બીજાે ડોઝ પણ લઈ લીધો છે. આ ઉપરાંત ફ્રંટલાઈન કે ફીલ્ડ લેવલ વર્કર્સમાં ૯૮ લાખને પહેલો અને ૪૫ લાખથી વધુને બીજાે ડોઝ મળી ગયો છે. વળી, અમારી હવે એક દિવસમાં ૧૩ લાખથી વધુ લોકોને ટેસ્ટ કરવાની ક્ષમતા છે જેના કારણે દેશમાં ૨૫ કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે.