કોરોનાનો કાળોકેર ઃ શહેરમાં નવા ૩૦૯ કેસ

વડોદરા

વડોદરા શહેર-જિલ્લામાં ઘાતક કોરોનાએ તેનો વિકરાળ પંજાે ફેલાવ્યો છે અને તીવ્ર ગતિથી વધી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં ખાસ કરીને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ વધુ પ્રભાવિત થયા છે. જેમાં રાજકીય નેતાઓ, એક્ટર્સ પણ બાકાત રહ્યા નથી. આજે ડભોઈના ધારાસભ્ય અને શહેરમાં રહેતા શૈલેષ મહેતા (સોટ્ટા) અને તેમના પુત્ર ધ્રુમિલ મહેતા સહિત નવા ૩૦૯ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૭૪૦૦૧ થઈ હતી.

હાલ વડોદરા શહેરમાં ૧૧૨૧ કેસો એક્ટિવ હોવાની સાથે ૧૪૮ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાં પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર, પપ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. જ્યારે ૯૭૩ હોમ આઈસોલેશન અને ૧૬૩૪ દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આજે પાલિકાની આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના જેતલપુર, બાજવા, વારસિયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, માંજલપુર, કપુરાઈ અને વાઘોડિયા રોડ સહિત કોરોના આરોગ્યલક્ષી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ૭૭૧૨ કોરોનાના સેમ્પલની ચકાસણી કરાઈ હતી. જેમાં શહેરના ચાર ઝોનમાંથી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૮૮, પૂર્વ ઝોનમાં ૬૨, ઉત્તર ઝોનમાં ૬૦, દક્ષિણ ઝોનમાંથી ૬૧ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૩૮ કેસ નોંધાયા હતા. જાે કે, હજુુ સુધી કોરોનામાં સત્તાવાર મૃત્યુઆંક નોંધાયો ન હતો.

૫ોલીસ દ્વારા ચેકિંગ કરી વાહનચાલકોને માસ્કનું વિતરણ કરાયું

પોલીસ દ્વારા રોજેરોજ જુદા જુદા વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓ કરી જનજાગૃતિ માટેની કાર્યવાહી કરવામાં આવે છે. કાલાઘોડા સર્કલ બાદ આજે સિટી પોલીસ મથક હેઠળના સંવેદનશીલ વિસ્તાર ફતેપુરા ચાર રસ્તા પીઆઈ કિરીટ લાઠિયાએ પોલીસના કાફલા સાથે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન માસ્ક વગર આવતા વાહનચાલકોને અટકાવી વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરી વાહનચાલકોને કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરી સાવચેત રહેવા માટે જણાવ્યું હતું.

સિટી બસ સર્વિસની બસો ૫૦ ટકા પેસેન્જર સાથે ચલાવાશે

કોરોનાના કેસોની સાથે ઓમિક્રોનના કેસમાં વધારો થઇ રહ્યો છે. સિટી બસમાં રોજ હજારો નાગરિકો મુસાફરી કરતા હોય છે અને કોરોના ફેલાય તેવો ભય રહે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે, જેમાં બસ મુસાફરીમાં ૭૫% મુસાફર સાથે બસ ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. તેમ છતાં પણ શહેરના વિટકોસ બસના સંચાલકો દ્વારા ૭૫% નહીં, પરંતુ, ૫૦% પેસેન્જર સાથે બસ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ ડ્રાઈવર અને કંડક્ટરને કડક સૂચના આપવામાં આવી છે કે, તમામ પેસેન્જરે ફરજિયાત માસ્ક પહેરેલ હોય તો જ બસમાં પ્રવેશ આપવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution