વડોદરા : શહેરના માજી સાસંદ સત્યજીત ગાયકવાડના બહેનને આજે મોડી સાંજે નવાપુરા પોલીસે બગીખાના ત્રણ રસ્તા પાસે કારમાં માસ્ક વિના બેઠા હોવાના મુદ્દે દંડ ભરવાનું જણાવતા બહેને પોતાની પાસે પર્સ ન હોઈ નજીક રહેતા ભાઈને જાણ કરી હતી. બહેનના દંડના નાણાં ભરવા માટે પહોંચેલા સત્યજીતસિંહ ગાયકવાડે દંડની પાવતીની માગણી કરતા ત્યાં હાજર નવાપુરા પોલીસ મથકના પ્રોબેશ્નલ પીએસઆઈ ડીએસ પટેલે તેમને જાહેરમાર્ગ પર લાફા ઝીંક્યા હતા અને બે પોલીસ જવાનોએ તેમને છાતીમાં મુક્કા માર્યા હતા. ત્યારબાદ પોલીસ મથકે જવા માટે સત્યજીત ગાયકવાડ ઘરે કાર લેવા માટે જતા પીએસઆઈ પટેલ તેમના ઘરમાં ગેરકાયદે ઘુસી ગયા હતા અને તેમને વોન્ટેડ જાહેર કરવાની ધમકી આપતા પોલીસની કામગીરીએ વધુ એક વખત વિવાદ સર્જાયો છે.
પોલોગ્રાઉન્ડ સામે રહેતા વડોદરાના પુર્વસાંસદ તેમજ અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સત્યજીત ગાયકવાડના બહેન આજે સાંજે તેમના પેટ ડોગને લઈને કારમાં ડ્રાઈવર સાથે નીકળ્યા હતા. સાંજે સવા સાત વાગે તે બગીખાના ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા તે સમયે ત્યાં માસ્કના દંડની કામગીરી કરતા નવાપુરા પોલીસ મથકના પ્રોબેશ્નલ પીએસઆઈ ડી.એસ.પટેલ સહિતના સ્ટાફે તેમના બેનને નાકની નીચે માસ્ક છે તેમ કહીને એક હજારનો દંડ ભરવાની સુચના આપી હતી. પેટ ડોગને ફેરવવા માટે પર્સ વિના નીકળ્યા હોઈ તેમણે આ અંગે માંડ ૨૦૦ મીટરના અંતરે આવેલા ઘરે હાજર ભાઈ સત્યજીતને દંડના નાણાં લઈ આવવા જણાવ્યું હતું.
સત્યજીત ગાયકવાડ પૈસા લઈને પહોંચ્યા હતા અને હું માજી સાંસદ સત્યજીત ગાયકવાડ છું તેવી ઓળખ આપી હતી તેમજ હું દંડ ભરી દઉ છુ મારા બેનને જવા દો તેમ કહી બેનને રવાના કર્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર પોલીસ જવાને હાલમાં દંડની પાવતી ખલાસ થઈ છે તેમ કહેતા સત્યજીતે પાવતી મંગાવી લો એટલે દંડ ભરી દઉ છું તેમ જણાવ્યું હતું. તેમની વાત સાંભળતા જ પીએસઆઈ ડી એસ પટેલે કશુ જાય નહી તેમ કહ્યું હતુ. સત્યજીતે વઢવાની વાત ના કરો તેમ કહેતા જ પીએસઆઈ પટેલે અમે અહીં લુખ્ખાગીરી કરવા ઉભા છે અને તું માજી સાંસદ છે તો શું છે ?તેમ કહીને જાહેરમાર્ગ પર સત્યજીત ગાયકવાડના ગાલ પર બે લાફા ઝીંકી દીધા હતા અને પોલીસ જવાનોને આને પકડો તેમ કહીને તેમના છાતીમાં મુક્કા માર્યા હતા. પીએસઆઈ પટેલ તેમને નવાપુરા પોલીસ મથકમાં લઈ જવાની વાત કરતા સત્યજીત ગાયકવાડે હું મારી કારમાં પોલીસ મથકમાં આવું છું તેમ કહી કાર લેવા માટે ઘરે જતા પીએસઆઈ પટેલ તેમની પાછળ પાછળ તેમના ઘરે ધસી ગયો હતો અને ઘરમાં ગેરકાયદે ઘુસી ધમકી આપી હતી કે તારા જેવા બહુ લુખ્ખા સાંસદ મે જાેયા છે, હું તારી પર આજે એટલા બધા ગુના નોંધીશ કે કાલ સુધી તને વોન્ટેડ જાહેર કરી દઈશ.
માજી સાંસદ પર હુમલાથી શહેર કોંગ્રેસમાં ભારે રોષ
દંડના નાણાં ભરવા માટે ગયા હોવા છતાં માજી સાસંદને જાહેરમાર્ગ પર લાફા ઝીંકી અને છાતીમા મુક્કા મારવાની ધટનાના પગલે શહેર કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે માજી સાસંદ સત્યજીત ગાયકવાડ પર નજીવા કારણસર થયેલા હુમલાના વિરોધમાં આવતીકાલે સવારે કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ કમિશ્નરને હુમલાખોર પીએસઆઈ સામે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવશે.
પોલીસે સત્યજિત ગાયકવાડે ઝપાઝપી કર્યાની નોંધ કરી
આ સમગ્ર બનાવ અંગે એસીપી મેઘા તેવારે જણાવ્યું હતું કે સત્યજીત ગાયકવાડે પહેલા પોતે દંડ ભરીશ તેમ જણાવીને તેમના બહેનને રવાના કર્યા બાદ નાણાં ભરવાનો ઈનકાર કર્યો હતો અને ત્યારબાદ પોલીસ સાથે જીભાજાેડી કરી ઝપાઝપી કરી હતી. જાેકે નવાપુરા પોલીસ મથકમાં સત્યજીત ગાયકવાડે દંડના મુદ્દે પોલીસ સાથે જીભોજાેડી કરી હોવાની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી.