સુરત-
સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી બાદ આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીએ જીત મેળવતાં જ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો ઉત્સાહમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે. યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી ગાર્ડનનું નામ ઘણા સમયથી પાટીદાર કરવાની લોકોની માંગ હતી.જાે કે, વોર્ડ નંબર ૧૭ના ચૂંટાયેલા આપના કાર્યકરે લોકોની માંગ મુજબ જાતે જ યોગી ગાર્ડનના નામની જગ્યાએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ લટકાવી દીધું છે. કાઉન્સિલર દ્વારા લોકોની માંગ પ્રમાણે નામ બદલી નાખવા અંગે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા બાદ જ નામ બદલવું જાેઈએ. લોકો કે કોઈની મનમાની ન ચાલી શકે.
યોગી ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાએ જે બગીચો બનાવ્યો હતો. તેનું નામ એકાએક આમ આદમી પાર્ટી દ્વારા બદલી નાખવામાં આવ્યું છે.ગાર્ડનનું નામ મહાનગરપાલિકા દ્વારા યોગી ગાર્ડન કરવામાં આવ્યું હતું. જેને પાટીદાર કોર્પોરેટર ધર્મેશ ભંડેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકોએ સાથે મળીને મોડી રાતે જઈને યોગી ગાર્ડનને પાટીદાર ગાર્ડનનું નામ આપી દીધું છે. નામને લઈને હવે પોલિટિક્સનો દૌર સુરત શહેરમાં શરૂ થતો જાેવા મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટીના કાઉન્સિલર ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, યોગી ચોક વિસ્તારમાં પાટીદારોની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે.યોગી ચોક વિસ્તારમાં બનાવાયેલા ગાર્ડનને અગાઉ પાટીદાર ગાર્ડન નામ લોકોએ જ આપ્યું હતું. જાે કે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા તેમાં ફેરફાર કરીને યોગી ગાર્ડન નામ રાખવામાં આવ્યું હતું. જેને લઇને સ્થાનિક લોકોમાં પણ રોષ જાેવા મળી રહ્યો હતો.સ્થાનિક લોકો દ્વારા અમને આવીને રજૂઆત કરવામાં આવી કે, પહેલા પાટીદાર ગાર્ડન નામ રાખવાનું નક્કી કર્યા બાદ આ માટે યોગી ગાર્ડન નામ આપવામાં આવ્યું છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમે યોગી ગાર્ડનને પાટીદાર નામ આપ્યું છે.અમે કમિશનરને રજૂઆત કરીને નામ લોકોની માગ પ્રમાણેનું નામ રાખીશું.