શેરબજારમાં ભાગ્યનો આધાર છે નક્ષત્રો

હિંદુ મત મુજબ અથર્વ વેદના એક ઉપવેદ તરીકે જ્યોતિષશાસ્ત્રની ઉત્પત્તિ થઈ હતી. બીજી તરફ જૈન શાસ્ત્રોમાં એ ઉલ્લેખ જાેવા મળે છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવનો જન્મ ચૈત્ર માસની વદ આઠમે ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયો હતો. ઋષભદેવના જન્મનો કાળ અબજાેનાં અબજાે વર્ષો પહેલાંનો છે. જાે તે સમયની તેમની જન્મતિથિ મળતી હોય તો એટલું તો સરળતાથી સમજી શકાય કે તેમના સમયમાં જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન ઉપલબ્ધ હતું.

તમને થશે કે શેરબજારની વાતોમાં જૈન ધર્મની વાત ક્યાંથી આવી ગઈ? તો આ વાત બહુ મહત્ત્વની છે કારણ કે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તેના કેન્દ્રમાં છે નક્ષત્રો! જૈન ધર્મમાં નક્ષત્રોને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં પણ તમારા ગ્રહોની દશા-મહાદશા તમારા જન્મના નક્ષત્ર પરથી નક્કી થાય છે. વર-કન્યાના લગ્નના મેળાપકમાં સૌથી વધુ ભૂમિકા તેમનાં નક્ષત્રો ભજવતાં હોય છે. ઉપરાંત જ્યારે લગ્નનું મુહૂર્ત કાઢવાનું હોય છે ત્યારે પણ વર-કન્યાનાં નક્ષત્રોને ધ્યાનમાં રાખીને મુહૂર્ત નક્કી કરવામાં આવતું હોય છે. આ સિવાય જ્યારે તમારે કોઈ પણ નવું શુભ કાર્ય શરૂ કરવું હોય ત્યારે પણ ચોઘડિયાની સાથે તમારા જન્મના નક્ષત્રને પણ જાેવામાં આવે છે.

અને શેરબજારની વાત કરીએ તો તેમાં નક્ષત્રો સૌથી મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. તમારી કુંડળી બીજી બધી રીતે સારી હોય પણ પરંતુ તમારો વ્યવસાય જાે તમારા જન્મના નક્ષત્રને અનુકૂળ ના હોય તો તમે સારામાં સારા વ્યાવસાયિક કૌશલ્ય પછી પણ માર ખાઈ શકો છો. આ વિષે આપણે કેટલીક કુંડળીઓની વિશદ ચર્ચા પણ કરીશું પરંતુ આ લેખમાં મારે સૌ પ્રથમ એ વાત મૂકવી છે કે તમારે જાે શેરબજારમાં સફળ થવું હોય તો તમારી કુંડળીના નક્ષત્રને આધારે જાે તમે શેરબજારમાં કામ કરશો તો તમારા માટે પ્રોફીટ બુકીંગની સંભાવનાઓ મહત્તમ થઈ જશે અને સ્ટોપ લોસની સ્થિતિઓ બહુ ઓછી આવશે. બીજું કે જાે તમારું નક્ષત્ર શેરબજારને યોગ્ય હોય અને સાથોસાથ તમારો ગુરુ પણ શેરબજારને યોગ્ય નક્ષત્રનો હોય તો તમારી આંતરપ્રેરણા જ તમને અમુક સોદાઓ માટે આપોઆપ પ્રેરશે અને જાે તમે એ મુજબ કામ કરશો તો તમે એક માત્ર શેરમાર્કેટના આધારે પણ કરોડો રુપિયાની આવક કરી શકશો.

તમે શેરબજારમાં હો અને હર્ષદ મહેતાનું નામ ના જાણતા હો તે શક્ય નથી. આ માનવ શેરબજારના સોદાઓનો સહુથી મોટો સટોડિયો હતો. કારણ કે તેની કુંડળીના સૂર્ય, ગુરુ, બુધ અને શુક્ર આ ચારેય તેના માટે બહુ લાભકારક હતાં. પરંતુ તેનો ચંદ્ર રાહુના નક્ષત્રનો હતો. આ કારણે તેણે શેરબજારમાં ખોટા રસ્તે બહુ મોટી ઉથલપાથલ સર્જી. અંતે રાહુ તેને રાજદંડ સુધી દોરી ગયો. તે પેરોલ પર છૂટી તો શક્યો પરંતુ પોતાના અંતથી બચી ના શક્યો. બહુ જલદી તેણે સંસારમાંથી વિદાય લઈ લીધી.

 બીજી તરફ મારો જ એક ક્લાયન્ટ છે. તે લોખંડ તથા સિમેન્ટનો વેપાર કરતો હતો જેમાં તેને ઠીક ઠીક આવક તો થતી હતી પરંતુ તે સંતોષકારક નહોતી. મેં જાેયું કે તેની કુંડળીના કર્મસ્થાનમાં સૂર્ય-શુક્ર સાથે હતાં અને લાભસ્થાનમાં બુધ-ગુરુ સાથે હતાં. ઉપરાંત તેનો જન્મ ગુરુના વિશાખા નક્ષત્રમાં થયો હતો. મેં તેને શેરબજારમાં લાંબા ગાળાનું રોકાણ કરવા માટે કહ્યું. સાથે સાથે ગુરુના લગતા વ્યવસાયોના શેર્સ ખરીદવા માટે જણાવ્યું. છ મહિના પછી તેણે મને જણાવ્યું કે તેના ધંધા કરતાં તેને શેરબજારમાંથી વધારે સારો લાભ થયો હતો.

આ બરાબર યાદ રાખો. તમારા જન્મનું નક્ષત્ર તમારા માટે યોગ્ય વ્યવસાયની આંગળી પણ ચીંધે છે. મારા એક ક્લાયન્ટ સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર, આ ચાર જ દિવસોએ ટ્રેડીંગ કરે છે અને પોતાના જન્મનક્ષત્રમાં કે શુભ નક્ષત્રમાં જ ટ્રેડીંગ કરે છે. આ કારણે શેરબજારમાં તેમના સોદાઓ બહુ થોડા હોય છે પરંતુ તેમાં નફાનું પ્રમાણ મહત્તમ અને નુકસાનનું પ્રમાણ લઘુત્તમ હોય છે.

એટલે કે તમારી કુંડળી જાે શુભ હોય તો તેમાં તમારાં નક્ષત્રોના શુભત્વને પણ ઉમેરી દો. તમારા માટે લાભની સંભાવનાઓ અનેક ઘણી વધી જશે. તમારી કુંડળી કદાચ બળવાન ના હોય પરંતુ તમારા નક્ષત્ર પ્રમાણે જાે તમે યોગ્ય રીતે રોકાણ કરશો તો તેમાં તમારા માટે નફાની સંભાવનાઓ વધી જશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution