અમદાવાદ-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત અને નગરપાલિકાની 28 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં આજે જાહેર થયા છે. જેમાં અત્યાર સુધી સામે આવેલા પરિણામોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. જેમાં ભાજપ માટે વર્ષ 2015માં પાટીદાર માટે પડકાર બનેલા અને ભાજપને ગ્રામીણ વિસ્તારમાં મોટો ફટકો અપાવનારા પાટીદાર નેતા અને કોંગ્રેસ અગ્રણી હાર્દિક પટેલના હોમ ટાઉન વિરમગામ નગરપાલિકામાં ભાજપ કેસરિયો લહેરાવવા તરફ અગ્રેસર છે.
અત્યાર સુધી સામે આવેલા પરિણામ મુજબ વિરમગામ નગરપાલિકામાં ભાજપના 12 ઉમેદવાર અને અપક્ષના 10 ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે કોંગ્રેસના એક પણ ઉમેદવારની જીત થઈ નથી. જ્યારે બીજી તરફ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું નથી અને વિરમગામ જિલ્લા પંચાયતની 3 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આમ પાટીદાર નેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલના હોમ ટાઉનમાં જ કોંગ્રેસની કારમી હાર થઈ છે.