વર્તમાન સ્થિતિની ગંભીરતા સમજીને કોંગ્રેસે બોલવુંઃ સી. આર. પાટીલ

સુરત-

રાજ્યમાં ઠેર ઠેર રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે. એક તરફ કોંગ્રેસ ભાજપને પ્રશ્ન કરી રહી છે કે, આટલા બધા ઈન્જેક્શન સી. આર. પાટીલ પાસે આવ્યા ક્યાંથી. તો આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને આક્ષેપ કરવા સિવાય કશું આવડતું નથી. જ્યારે આવી પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે ઈન્જેકશનની જરૂરિયાત છે અને અમે કોઈને કોઈ કાયદેસરના માર્ગથી ઇન્જેક્શન મેળવી લોકોને આપી રહ્યા છે ત્યારે તેમને આ કાર્યની ગંભીરતા સમજવી જોઈએ. કોંગ્રેસ ધમકી આપવાનું બંધ કરે.

સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા આવા કોરોનાના સમયમાં મોતથી ડર્યા વગર પોતે બહાર નીકળે છે અને લોકોની સેવાઓ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની સેવા આપે છે. સ્મશાનમાં લાકડાની જરૂર હોય તો ત્યાં લાકડા આપે છે. ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન આપે છે. નવી સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલમાં માત્ર દર્દી જ નહીં તેમના પરિજનોને પણ જમવાની વ્યવસ્થા કરે છે. આ સેવાઓ થકી ભાજપના કાર્યકર્તાઓ ગુજરાતને કોરોના સંક્રમણથી બહાર લાવવા માટે પ્રયત્નશીલ છે. કોરોના કાળમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછતની વચ્ચે ઈન્જેક્શન વોર ગુજરાતમાં શરૂ થયું છે. ભાજપ સુરતમાં 5,000 ઈન્જેક્શન લોકોને નિઃશુલ્ક આપી રહી છે અને આ ઈન્જેક્શન ક્યાંથી આવ્યું તેવો પ્રશ્ને કોંગ્રેસ પૂછી રહી છે. કોંગ્રેસના નિશાના પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ છે ત્યારે મંગળવારે સુરતમાં પાટીલે આ મુદ્દે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ધમકી ન આપે કાયદેસરના માર્ગથી જ લોકો માટે ઈન્જેક્શન મેળવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution