વડોદરા : સરકારને વહાલા થવાની તંત્ર અને એના આકાની અંગત સ્વાર્થવશ ચાપલુસીએ વડોદરા શહેરમાં ફેલાયેલા અત્યંત ગંભીર કહેવાય એવા કોરોના મહામારીના ભીષણ દ્રશ્ય પર સેન્સરની કાતર ચલાવી હોવાના પુરાવારૂપ વડોદરા શહેર કોંગ્રેસે આજે ગાંધીનગર ગૃહના ઓટલા પર જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને “પોઝિટિવ કેસો”ના સરકારી આક્ડાઓમાં જુઠ્ઠાણાં બહાર પાડતા પાલિકા અને સરકારી હોસ્પિટલ તંત્ર અને તેમના આકાના ચહેરા પરથી નૂર ઉડી ગયું હતું.
વડોદરા મહાનગર પાલિકાના શાસકો અને કોરોનાની કામગીરી સાંભળનાર વહીવટદારો દ્વારા કોરોનાના પોઝિટિવ કેસો બાબતે ચલાવાતા દર્દીઓના આંકડાઓ છુપાવવાના ધુપ્પલનો કોંગ્રેસે પર્દાફાશ કરીને સણસણતો તમાચો માર્યો છે. શહેર કોંગ્રેસ દ્વારા ચલાવાયેલા વિશેષ અભિયાનના ઓપેરેશનમાં શહેરના ૩૪ અર્બન હેલ્થ સેન્ટરમાંથી ૨૩૬ પોઝિટિવ કેસો મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા તમામ યુએચસીમાં પોતાના બબ્બે કાર્યકરોને વહેલી સવારથી આખો દિવસ ગોઠવીને જેઓની તપાસ કરવામાં આવી હતી, એવા કોરોનાના શંકાસ્પદ દર્દીઓ પૈકી જેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એ તમામના પોઝિટિવ રિપોર્ટના ફોટો સાથેના પુરાવાઓ એકત્ર કર્યા હતા. એ સાથે માત્ર યુએચસીબના જ ૨૩૬ પોઝિટિવ કેસોના પુરાવાઓ હાથ લાગ્યા હતા. જ્યારે પાલિકાએ આજે પોઝિટિવ કેસો માત્ર ૧૨૮ હોવાનું સત્તાવાર યાદીમાં જાહેર જાહેર કર્યું હોવાથી તંત્રના જુઠ્ઠાણાની પોલ ખુલી ગઈ હતી.
આ અંગે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ, પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ-ભથ્થું અને અન્ય અગ્રણીઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં સરકાર અને તંત્ર ધરાર નિષ્ફળ નીવડ્યું છે. એ પ્રજા જાણી ચુકી છે. જેને લઈને સત્ય પર ઢાકપીછોડો કરવાને માટે સત્તાના જોરે દબાણ લાવીને અલગ અલગ નુસ્ખાઓ થકી સત્યતાને છુપાવવામાં આવે છે. પરંતુ તંત્ર અને એના આકાઓના આ છાપરે ચઢીને પોકારતા પાપનો કોંગ્રેસ દ્વારા જાત તપાસ કરીને સત્ય હકીકતો મેળવીને પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ માટે કોંગ્રેસ દ્વારા શહેરના તમામે તમામ ૩૪ અર્બન હેલ્થ સેન્ટર પર કાર્યકરો મોકલીને જાત તપાસ કરવામાં આવી હતી. તેમજ જે કોઈનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય.એવા ૨૩૬ દર્દીને એના પોઝિટિવ રિપોર્ટનો ફોટો લઈને “કોવિદ કીટ” આપવામાં આવી હતી.
કોંગ્રેસના સો ઉપરાંત કાર્યકરો યુએચસી પર વહેલી સવારથી ગોઠવાઈ ગયા હતા. જેઓ જેમ જેમ કોવિદ ટેસ્ટ થાય તેમ તેમ રિપોર્ટ તપાસતા પ્રત્યેક સેન્ટર પર ૧૦ થી વધુ પોઝિટિવ રિપોર્ટ આવતા કાર્યકરો ચોકી ઉઠ્યાં હતા. જેઓએ અર્બન હેલ્થ સેન્ટરના તબીબો જોડે વાત કરતા એવી ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી કે રોજના વીસથી વધુ કોરોના પોઝિટિવ કેસો પ્રત્યેક અર્બન હેલ્થ સેન્ટર પર આવે છે. પરંતુ મહેકામના આદેશને લઈને ઓછા કેસ જાહેર કરવામાં આવે છે. આ પૈકી કેટલાક સેન્ટરો પરના તબીબોએ કાર્યકરોને બહાર આંકડા જાહેર ન કરવાને માટે વિનંતી કરી હતી. આ બાબતે પ્રત્યેક સેન્ટર પર તૈનાત કરાયેલ કોંગ્રેસના સમર્પિત કાર્યકરોએ શહેર પ્રમુખ પ્રશાંત પટેલને જાણ કરતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. તેઓએ આ તમામ સેન્ટરોના આંકડા એકત્ર કર્યા હતા. ત્યારે તંત્ર દ્વારા છેલ્લા એક માસથી સરેરાશ ૧૨૦ પોઝિટિવ દર્દીઓનો જે આંકડો આપવામાં આવતો હતો.એ નર્યું જુઠ્ઠાણું હોવાની વાત ખુલ્લી પડી ગઈ હતી. તેમજ એના કરતા ઘણા મોટા પ્રમાણમાં રોજ કોરોના પોઝિટિવના દર્દીઓ આવતા હતા. જેને લઈને પાલિકા તંત્ર અને એના આકાઓ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓની બાબતમાં પોતાની ધરાર નિષ્ફળતા છુપાવવાને માટે તદ્દન ખોટા આંકડાઓ દર્શાવીને શહેરીજનોના જીવને જોખમમાં મૂકી રહયા છે. કોંગ્રેસ દ્વારા શહેર ના અર્બન હેલ્થ સેન્ટરોના કોરોના પોઝિટિવ દર્દીઓની માહિતી એકત્ર કરાઈ રહી છે. એ બાબતની જાણ થતા પાલિકા તંત્ર દ્વારા તુર્તજ વારસિયા હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કરવાના બંધ કરી દીધા હતા. આને લઈને કોરોનાની બાબતમાં શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવીને પ્રજાને ભ્રમિત કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતા.