તિરુવનંતપુરમ્-
કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ડખ્ખા શાંત થવાનું નામ નથી લેતા. રાજસ્થાન અને પંજાબ બાદ હવે પાર્ટી દક્ષિણ મોર્ચા પર પણ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કેરલ કોંગ્રેસના એક વર્ગનું કહેવુ છે કે, હાઈકમાન તરફથી તેમને નજરઅંદાજ અને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. ૨ મેના રોજ કેરલ વિધાન પરિષદની ચૂંટણીમાં પરિણામ જાહેર થયા અને કોંગ્રેસ પાર્ટીએ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ પાર્ટી હાઈકમાને એક્શન લેતા પ્રદેશ અધ્યક્ષ એ. રામચંગ્રન ઉપરાંત વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાને પદ પરથી હટાવી દીધા હતા.
હાઈકમાનની એક્શન બાદ રમેશ ચેન્નિથલાના સમર્થકો ભડકી ગયા અને હવે તેમણે આરોપ લગાવ્યો છે કે, ભલે તેમને પદ પરથી હટાવી દેવામાં આવે, પણ વિદાય સન્માનજનક નથી રહી. સમર્થકોનું કહેવુ છે કે, તેમને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા માટે એપોઈંટમેન્ટ પણ નથી મળતી. કેરલમાં શરૂ થયેલા આ રાજકીય સંકટ બાદ કોંગ્રેસ પ્રભારી તારિક અનવરે રાજ્યના ધારાસભ્યો, સાંસદો અને સંગઠન નેતાઓ સાથે વાતચીત કરી છે. જણાવી દઈએ કે, કેરલમાં ચેન્નીથલાની જગ્યા પર વીડી સતીશનને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. જ્યારે કે. સુધાકરણને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી છે.