અમદાવાદ-
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે. સુરત કેસ મામલે કોર્ટમાં હાજરી આપવા માટે તેઓ આવતી કાલે ગુજરાત આવશે. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના સુરતના કાર્યકરો તેમને આવકારશે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. આ કેસમાં કોર્ટ સામે ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઇ ચુકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાની બાકી છે.
આજથી ત્રણેક વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મોઢ વણિક સમાજ સંદર્ભે બદનક્ષીકારક ઉચ્ચારણ કર્યા હતા. જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહૂલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આરોપીના બચાવપક્ષે કીરીટ પાનવાલાએ કોર્ટ મુદતમાં કાયમી હાજરીમાંથી આરોપીને મુક્ત કરવાની માંગને કોર્ટે મંજુરી આપી હતી. બીજી તરફ હાઈકોર્ટમાં પણ સ્ટેની માગણી કરવામાં આવી હતી. જેની આજે હાઈકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી વિગતો સાપડી છે.