દોઢ વર્ષથી કોંગ્રેસ પાસે અધ્યક્ષ નથી, પાર્ટી આવી રીતે થોડી ચાલશે ?:કપિલ સિબ્બલ

દિલ્હી-

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે.કોંગ્રેસના પીઢ નેતા કપિલ સિબ્બલના આક્રમક તેવર યથાવત છે. કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યૂ દરમિયાન ફરી એક વખત પાર્ટી સામે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી દોઢ વર્ષ પહેલા કહી ચુક્યા છે કે, હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા નથી માંગતો અને ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ પદ પર હોય તે પણ હું નથી ઈચ્છતો .આ વાતના દોઢ વર્ષ વીતી ગયા પછી પણ પાર્ટી અધ્યક્ષ વગર કામ કરી રહી છે અને કોઈ પાર્ટી આ રીતે કેવી રીતે કામ કરી શકે. 

તેમણે કહ્યુ હતુ કે, મેં પાર્ટીની અંદર અવાજ ઉઠાવ્યો હતો.ઓગસ્ટ મહિનામાં મેં અને બીજા કેટલાક નેતાઓએ પત્ર પણ લખ્યો હતો.કોઈએ અમારી વાત સાંભળી નહોતી.હું જાણવા માંગુ છું કે, દોઢ વર્ષ પછી પણ આપણી પાસે અધ્યક્ષ નથી તો પાર્ટીના કાર્યકરો પોતાની સમસ્યા લઈને કોની પાસે જાય...અમે ઓગસ્ટમાં જે પત્ર લખ્યો તે ત્રીજાે પત્ર હતો અને તે પહેલાના બે પત્રનો કોઈ જવાબ મળ્યો નથી.

ચૂંટણી થતી રહે છે અને હારજીત પણ થતી રહે છે. મારુ માનવુ છે કે, કમસે કમ કોંગ્રેસ પાર્ટી પોતાના ભવિષ્યનો રસ્તો પણ નક્કી કરે. કોંગ્રેસના નેતૃત્વમાં બદલાવની વાત મેં નથી કરી પણ અમારા નેતા રાહુલ ગાંધી પોતે કરી ચુક્યા છે.કારણકે રાહુલ ગાંધી પોતે જ અધ્યક્ષ નથી બનવા માંગતા તો પાર્ટીમાં કોઈને તો અધ્યક્ષ બનાવવા પડશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution