વડોદરા : ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આજે કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.કોંગ્રેસના ઉમેદવારે રેલી, સભા બાદ ફોર્મ ભર્યું હતું. જાે કે, કાર્યકરો અને સમર્થકોના ટોળાં ભેગાં થતાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. કોરોના મહામારીના કારણે રાજ્ય સરારે નવરાત્રિ પર્વમાં ગરબા રમવાની મંજૂરી આપી નથી પરંતુ વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજકીય પક્ષના નેતાઓ સભા, પ્રચાર અને ફોર્મ ભરતી વખતે ટોળાં ભેગાં કરીને સંક્રમણને આમંત્રણ આપી રહ્યા છે. નેતાઓ કોરોનાની ગાઈડલાઈનનો છડેચોક ભંગ કરી રહ્યા છે. બે દિવસ પૂર્વે જ કરજણ બેઠકના ભાજપાના ઉમેદવારે ફોર્મ ભરતી વખતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડયા હતા. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ઉમેદવારી ફોર્મ ભરતાં પૂર્વે જાણે સભા યોજી હોય તેવા દૃશ્યો જાેવા મળ્યા હતા. સભા અને રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉમટયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ખૂલ્લેઆમ ભંગ થયેલો જાેવા મળ્યો હતો.
વધુ બે સહિત કુલ ૫ ફોર્મ ભરાયાં
કરજણ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે ૭મા દિવસે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા અને અપક્ષ ઉમેદવાર જયદીપસિંહ સુતરિયા એમ બે ફોર્મ ભરાયાં હતાં. આ અત્યાર સુધી ચાર ઉમેદવારોએ પાંચ ફોર્મ ભર્યાં છે. આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે તા.૧૭મીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે.