વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા અને માસૂમ પુત્રીના ચકચારી રહસ્યમય મોત પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પુત્રીને ઝેર પીવડાવી દીધું હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર આવતાં સમા પોલીસે પતિ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં ૩૬ વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની ૬ વર્ષની પુત્રી કાવ્યા પટેલ રવિવારે રાત્રે ૧૨ વાગે ગરબા રમીને ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીના શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. પોલીસ દ્વારા માતા-પુત્રીના રહસ્યમય મોતના બનાવમાં મહિલાના ગળામાં ઇજાના નિશાન હોવાથી આ રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. વિસેરા પણ લેવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં પતિ તેજસ પટેલ દ્વારા પત્ની શોભના અને પુત્રી કાવ્યાનું ગળું દબાવ્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની વિગતો બહાર આવી હતી, જેથી સમા પોલીસે પત્ની અને પુત્રીના ડબલ મર્ડરના ગુનાના આરોપમાં હત્યારા પતિ તેજસ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાને અંજામ આપતાં પહેલા મોબાઇલમાં યુ-ટ્યૂબ તથા ગૂગલમાં સર્ચ કર્યું હતું
માતા-પુત્રીના રહસ્યમય મોત પ્રકરણની તપાસ કરતી પોલીસે મૃતક શોભનાબેનના પતિ તેજસ પટેલની સઘન પૂછતાછ શરૂ કરવાની સાથે તેનો મોબાઇલ તપાસ માટે કબજે લીધો હતો. જે મોબાઇલ ફોનના છેલ્લા એક મહિનાની યુ-ટ્યુબ અને ગૂગલની સર્ચ હિસ્ટ્રી તપાસતાં પોલીસ ચોંકી ઊઠી હતી. જેમાં તેજસ એક અઠવાડિયા કરતાં વધુ સમયથી પોતાના મોબાઇલમાં ગૂગલ તથા યુ-ટ્યુબમાં “રેટ કિલર, ઝહર કો કોન સા હૈ, મોત કૈસે હોતા હૈ, હાઉ ટુ ગીવ ડેથ, રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન, પોઇઝન, ઘ રેટ કિલર પોઇઝન, હાઉ ટુ કિલ અ મેન વિથ પીલો” વગેરે વિષયો સર્ચ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પત્ની અને પુત્રીની હત્યા તેજસ પટેલે જ કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે પોલીસે તેજસ પટેલની કડકાઇથી પૂછપરછ કરતાં તેને પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ગત તા.૧૦-૧૦-૨૧ના રોજ રાત્રિના સાડા અગિયાર વાગે ખાવામાં ઊંંદર મારવાની દવા આપી દઇ ત્રણેવ સૂઇ ગયા હતા. થોડીવાર પછી પત્ની શોભના મોઢાથી ડચકા ભરતી હોય તેવો અવાજ આવતાં તેણે શોભના ઉપર બેસી જઇ ગળું દબાવી દીધું હતું તથા દીકરી કાવ્યાને પણ મોંઢા ઉપર ઓશિકું મૂકી દબાવી દઇ બંનેની કોઇ હલનચલન ન જણાતાં તે પલંગની પાસે બેસી રહ્યો હતો. ત્યાર બાદ મોડી રાતના લગભગ બે વાગે તેના સાળાને જાણ કરી પત્ની-પુત્રીને હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં બંનેને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.
ઘરજમાઇ તરીકે રહેતા તેજસને અન્ય મહિલા સાથે આડાસંબંધ હતા
પટેલ પરિવાર પંચમહાલ જિલ્લાના નાંદરવાના વતની છે. ત્યાંથી તેજસનું વતન એરંડી ગામ જે ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. લગ્ન બાદ તેજસ શોભનાના ઘરે ઘરજમાઇ તરીકે રહેતો હતો. તેજસને નોકરી પણ શોભનાના ભાઇએ અપાવી હતી. તેજસને ઘરજમાઇ તરીકે રહેવું પસંદ ન હતું. પરંતુ પત્ની શોભનાની જીદના કારણે તે મજબૂરીથી રહેતો હતો. પત્ની વધુ ખર્ચાઓ અને અજુગતી માગણીઓ કરતી હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા. તેજસને અન્ય મહિલા સાથે આડાસબંધ હોવાની જાણ થતાં બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. માતા-પુત્રીના શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસે વિવિધ થિયરી પર તપાસ કરી હતી. જેમાં ગત મોડી રાત્રે પતિ અને તેના સાસરિયાંની ઘનિષ્ઠ પૂછપરછમાં તેજસ પટેલ ભાંગી પડ્યો અને પત્ની શોભના તથા પુત્રી કાવ્યાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ ઊંંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.