મિલેટ્રી પછી વિશ્વની સામગ્રીનો ખર્ચ કરતો જાે બીજાે કોઈ વિશાળ ઉદ્યોગ હોય તો તે સ્થાપત્ય - બાંધકામ છે. વિશ્વની સૌથી અગત્યની પેદાશ ખેતીમાંથી થાય છે અને સૌથી વધુ વ્યય સ્થાપત્યના ક્ષેત્રમાં થતો હોય એમ જણાય છે. આ ક્ષેત્રમાં નવા બાંધકામ માટે તો સામગ્રી વપરાય જ છે પણ સાથે સાથે મકાનની ઉપયોગીતા, તેની માવજત તથા રખરખાવ માટે પણ સારી એવી માત્રામાં સામગ્રી - ઉર્જા વપરાય છે. આજના સમયમાં જ્યારે માનવ વસ્તી અનિયંત્રિત માત્રામાં વધતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આવી સામગ્રીની માંગ વધતી જ જાય. સાથે સાથે બદલાતી જીવન શૈલી અને બદલાયેલા સામાજિક મૂલ્યો પણ ક્યાંક વપરાશમાં વધારો કરે છે. આ બધો ભાર અંતે તો કુદરત પર જ આવવાનો છે અને કુદરતની પોતાની પણ મર્યાદાઓ છે. તેથી જ સાંપ્રત સમયમાં સ્થાપત્યમાં સામગ્રી તથા ઊર્જાના વપરાશમાં કંઈક સંયમ આવે એ જરૂરી છે. કાલની ચિંતા આપણે જ કરવાની છે.
એવી રચના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં શરૂઆતમાં લાગત તો ઓછી થાય પણ સાથે સાથે રખરખાવ અને ઉપયોગીતાના ખર્ચમાં પણ કટોતી થાય. આમાં પણ આજના સમયે સામગ્રીના અસરકારક ઉપયોગની તાતી જરૂર છે. પ્રાપ્ય સામગ્રીનો હેતુસભર સંતુલિત ઉપયોગ કરવાથી સામગ્રીની ખપતમાં કરકસર સંભવી શકે. વળી આ સામગ્રીના ચયન વખતે એનું પણ ધ્યાન રાખવું પડે કે તેનાથી કુદરતના સંતુલનમાં મોટો વિક્ષેપ ન પડે. સ્થાપત્યને કુદરત સાથે સંકળાવુ જ પડશે.
મકાનના બાંધકામમાં સામગ્રીની ખપત વધુ રહે છે જ્યારે ઉપયોગીતામાં ઊર્જા ની. આ બંને વચ્ચેનું સમીકરણ સમજવું જરૂરી છે. એમ બની શકે કે શરૂઆતમાં થોડો વધુ ખર્ચ કરવાથી રખરખાવ તથા ઉપયોગીતાનો ખર્ચ ઓછો થઈ શકે. એનાથી વિપરીત પણ હોઈ શકે. ઘણીવાર એવી ખાતરી ન આપી શકાય કે શરૂઆતમાં કરાયેલ વધારાનો ખર્ચ લાંબા ગાળે કરકસરયુક્ત બની રહે. આ સમીકરણ સમજવું જરૂરી છે. મકાનની આવરદા નિર્ધારિત કરીને સમગ્રતામાં ક્યાં કેટલો કેવા પ્રકારનો ખર્ચ આવશે તે સમજીને એક બેલેન્સ શીટ બનાવવી પડે. પછી જ નક્કી થઈ શકે કે ક્યાં કેવા પ્રકારનો ર્નિણય અંતે લાભદાય બનશે. આ બધામાં અંતિમ ધ્યેય એ હોવો જાેઈએ કે કુદરત પરનું ભારણ કેવી રીતે ઓછું થઈ શકે, જેથી ભવિષ્યની પેઢી માટે સક્ષમ પરિસ્થિતિ બનેલી રહે.
મકાનની રચના એ પ્રકારની હોવી જાેઈએ કે જેમાં તેમની ઉપયોગીતામાં ઊર્જા ઓછી વપરાય. જાે મકાનમાં કુદરતી હવા-ઉજાસ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરાઈ હોય અને મકાનના આંતરિક તાપમાન અનુકૂળ સ્થરે જળવાઈ રહે તેવી ગોઠવણ કરાઈ હોય તો ઊર્જાને ખપત ઘણી ઓછી થઈ જાય. પણ આ માટે એ પણ જરૂરી છે કે સમાજ થોડી અગવડતા સ્વીકારવા તૈયાર થાય. આપણને વાતાનુકુલ સ્થિતિ તથા જાકજમાળવાળા પ્રકાશની એવી ટેવ પડી ગઈ છે કે ઊર્જાનો કરકસર યુક્ત વપરાશ જાણે અસંભવ જ બની જાય. વળી અત્યારના સમીકરણો માંડીને આપણે એમ પણ વિચારીએ છીએ કે ‘આપણને પોસાય છે અને આપણે વાપરીએ છીએ’. આવી વિચારસરણીને કારણે થોડો વધુ ખર્ચ કરી બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતને ક્યાંક આપણે અવગણીએ છીએ. નજીકના લાભ સામે આપણે લાંબા ગાળાના લાભને નજરઅંદાજ કરીએ છીએ.
મકાનમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા થઈ શકે. આ પ્રકારની વ્યવસ્થાથી સામૂહિક પાણી પુરવઠાની વ્યવસ્થા પરનું ભારણ તો ઓછું થાય પણ સાથે સાથે સંતુલિત રહી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી થાય. તેવી જ રીતે ગંદકીના નિકાલ માટે પણ સ્થાનિક - બિનકેન્દ્રીય વ્યવસ્થા ઉભી કરી શકાય. એ વાત સાચી છે કે ઘણા પ્રશ્નો એક મકાનના લેવલે સંબોધી શકાય તો કેટલાક પ્રશ્નોનું નિવારણ નાના સમૂહમાં થઈ શકે, તો કેટલા પ્રશ્નોને શહેરીસ્તર પર નિવારી શકાય. દરેક સ્તરે કામ કરવાની જરૂર છે.
પૈસાના જાેરે ઘણીવાર આપણે એટલી બધી સગવડતા ઇચ્છીએ છીએ કે તેનાથી ભવિષ્યની પેઢીને કઈ કઈ મુશ્કેલીઓ પડશે તે બાબત સાવજ નજરઅંદાજ બની રહે. રિમોટથી પડદા ખોલવાની અને બંધ કરવાની શી જરૂર છે. ટોયલેટમાં જતા પહેલા રીમોટથી કમોડનું ઢાંકણું ઊંચું કરવાની શી જરૂર છે. આ બધાથી જીવન બેઠાડું થઈ જાય છે અને પછી ઊભા થતા પ્રશ્નોને સંબોધવા આપણે જીમમાં જઈએ છીએ. જે પ્રમાણેનું હલનચલન રોજિંદી જિંદગીમાં શક્ય હોય તેને બંધ કરી તે જ પ્રકારનું હલનચલન કરવા આપણે પૈસા આપી કોઈ કસરતશાળામાં જાેડાઈએ છીએ. આ એક આંચકો આપનારું સત્ય છે. અહીં બંને જગ્યાએ સામગ્રી અને ઊર્જાનો વ્યય થાય છે. જાે જીવનશૈલી જ વ્યવસ્થિત ઘડાય તો ભવિષ્યની પેઢી માટે ઘણી બધી સારી સંભાવનાઓ બાકી રહે.
સામાજિક સભાનતાની સાથે સ્થાપત્યકિય સંવેદનશીલતા વધારવાની પણ જરૂર છે. ક્યાંક સ્થપતિ જ ટૂંકા માર્ગ અપનાવે છે - અથવા યોગ્ય માર્ગ અપનાવવા અસમર્થ છે - અથવા તેમની માટે માત્ર વ્યાપારી ગણતરી જ મહત્વની છે. દરેક ક્ષેત્રે આ બાબતે જાગૃતિ આવે એ માટે શૈક્ષણિક સંસ્થાઓની સાથે જાેડાઈને અન્ય સામાજિક સંસ્થાઓએ કાર્યરત થવું જ રહ્યું. ઇજનેરી અને તકનીકી ક્ષેત્રે પણ રાષ્ટ્રને અનુલક્ષીને સંશોધનો થવા જાેઈએ. સામગ્રીનું ઉત્પાદન કરતા ક્ષેત્રોમાં પણ અમુક પ્રકારનું પ્રોત્સાહન મળવું જાેઈએ. તકનીકી સમાજમાં ચોક્કસ પ્રકારનો અભિગમ દ્રઢ બને તે માટે કાર્યશાળાઓ અને ચર્ચાસભાઓ યોજાવી જાેઈએ. સમાજનો જે વર્ગ મહત્તમ બગાડ કરે છે તેમની માટે શિક્ષાત્મક પગલાં પણ નિર્ધારિત થવા જાેઈએ. આ બધું જ આયોજન લાંબા ગાળાનું હોવું જાેઈએ.
આજકાલ ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવો’ પ્રકારની વિચારધારા પ્રવર્તમાન છે. શ્વાસનો રોગ વધુ તકલીફ આપતો થાય પછી જ આપણે પ્રાણાયામનું મહત્વ સમજીએ છીએ. આ પ્રકારનો અભિગમ નહીં ચાલે. ભારત સ્વતંત્ર થયું તે વખતે તેની જે જનસંખ્યા હતી તેના કરતાં ચાર ગણી જનસંખ્યા આજે છે. આ બધાને તથા વંચિતોને માથે છત મળી રહે તે માટે સામગ્રી- ઊર્જાનો અસરકારક કરકસરયુક્ત ઉપયોગ કરવો જ રહ્યો.