વડોદરા
લક્કડપીઠારોડ પર સંયુક્ત પરિવારમાં રહેતા પતિ પર અસહ્ય ત્રાસ ગુજારી તેને આપઘાત કરવાની દૂષ્પ્રેરણા આપનાર પત્ની અને સાળા વિરુધ્ધ નવાપુરા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
લક્કડપીઠા રોડ પર રાવળ મોહલ્લામાં રહેતા ૬૨ વર્ષીય રમણભાઈ બબલદાસ રાવળે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘મારા ત્રણ સંતાનો પૈકી સૈાથી મોટા પુત્ર ૪૦ વર્ષીય ગોપાલનું ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રહેતી મનીષા ભાઈલાલ રાવળ સાથે ગત ૨૦૦૭માં લગ્ન થયું હતુ. લગ્ન બાદ મનીષા અમારી સાથે સાસરીમાં રહેવા માટે આવતા તેણે એક પુુત્રી દેવાંશીને જન્મ આપ્યો હતો જેની ઉંમર હાલમાં નવ વર્ષની છે. જયારે નાનો પુત્ર યોગેશ અને તેની પત્ની પારુલ તેઓના બે સંતાનો સાથે અમારી સાથે રહે છે અને એક પુત્રી તેની સાસરીમાં રહે છે.
ગોપાલની પત્ની મનીષા ઘણા વર્ષોથી ગોપાલ અને ઘરના સભ્યો સાથે કોઈ પણ બહાનુ કાઢીને ઝઘડા કરતી હતી અને તેની મરજી મુજબ અવારનવાર પિયર જતી રહેતી હતી અને તેણે ઝઘડિયા કોર્ટમાં અને પોલીસમાં પણ કેસો કર્યા હતા. મનીષાનો ભાઈ ગીરીશ સમાધાન કરાર કરી ૨૦૧૦માં તેને અમારા ઘરે મુકી ગયો હતો પરંતું તેમ છતા મનીષાનું વર્તન સુધર્યુ નહોંતું. છેલ્લા દસ માસથી મનીષાને એવો વહેમ હતો તેની દેરાણી પારુલ સાથે ગોપાલના આડાસંબંધ છે અને આ મુદ્દે તે અવારનવાર ઝઘડા કરતી હતી અને લોકડાઉન ખુલતા તે ફરી પિયરમાં જતી રહી હતી. આ દરમિયાન તેના ભાઈ ગીરીશે તેની બહેન મનીષા મારફત રાજપારડી ખાતે કેસ કરતા પોલીસ ગોપાલને ફોન કરી ઘરના તમામ સભ્યોને રાજપારડી બોલાવતી હતી જયારે ગીરીશ ફોન કરીને ગોપાલને ધમકી આપતો હતો કે હું તમને બધાને લોકઅપમાં પુરાવીને જ જંપીશ .
પત્નીના ત્રાસ બાદ સાળાએ આપેલી ધમકીથી ગોપાલ સતત ટેન્શમાં રહેતો હતો અને ગત ૨જી ફેબ્રુઆરીની રાત્રે તે પુત્રીને લઈને મકાનના ઉપરના માળે ઉંઘવા માટે ગયા બાદ રૂમમાં પંખાના હુકમાં ઓંઢણી વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ગોપાલે સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે મારી આત્મહત્યાનું કારણ મારી પત્ની મનીષા અને તેનો ભાઈ ગીરીશ છે. ’ આ ફરિયાદ અને સુસાઈડ નોટના આધારે પોલીસે ગોપાલની પત્ની મનીષા અને સાળા ગીરીશ સામે આપઘાતની દૂષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.