હાલોલના અરાદ રોડ પર રેલ્વેની જમીનમાં બાંધકામ કરી પાલિકાના ખોટા દસ્તાવેજાેના આધારે વીજ કનેક્શન મેળવનાર સામે ફરિયાદ


હાલોલ, તા.૧૪

હાલોલ શહેરના અરાદ રોડ પર આવેલી રેલ્વે વિભાગની જમીનમાં બાંધકામ કરી નગરપાલિકાના જૂઠા અને ખોટા દસ્તાવેજાે ઉભા કરી વીજ કનેક્શન મેળવનાર ભેજાબાજ ઈસમ સામે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે અને નગર ખાતે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ શહેર ખાતે હાલોલ નગરપાલિકા વિસ્તારની હદમાં અરાદ રોડ પર આવેલ મદારીવાસ પાસે રેલ્વે વિભાગની સરકારી પડતર જમીન આવેલી છે જે જમીનમાં હાલોલના જશવંતભાઈ રમણભાઈ પરમાર નામના ઇસમે કબજાે કરી સરકારી રેલ્વેની જમીન પચાવી પાડી તે જગ્યામાં બાંધકામ કરી પતરાવાળી રૂમ બનાવી હતી અને તેમાં વીજ કનેક્શન મેળવી વીજ મીટર મેળવ્યું હતું જેમાં હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરના ધ્યાને આ સમગ્ર બાબત આવી હતી અને તેઓને જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ઇસમે રેલ્વેની સરકારી જગ્યામાં કબજાે કરી કાચી પતરાવાળી રૂમ બનાવી હાલોલ નગરપાલિકાના ખોટા દસ્તાવેજ ઉભા કરી તેનો ઉપયોગ કરી વીજ કનેક્શન મેળવેલ છે જેના અનુસંધાને હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરે જીઈબી કચેરી પાસે વીજ કનેક્શન મેળવવા માટેના પુરાવા તરીકે આવેલા દસ્તાવેજ હાલોલ નગરપાલિકા ખાતે રજૂ કરવા લેખિત જાણ કરી હતી જેમાં જીઈબી કચેરી દ્વારા જશવંતભાઈ રમણભાઈ પરમાર દ્વારા વિજ કનેક્શન મેળવવા માટે જે દસ્તાવેજાે રજૂ કરવામાં આવ્યા હતા તે દસ્તાવેજાે હાલોલ નગરપાલિકામાં રજૂ કરાયા હતા જેમાં અરજદાર જશવંતભાઈ રમણભાઈ પરમારે હાલોલ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીમાં વીજ કનેક્શન માટે જે જરૂરી દસ્તાવેજ પુરાવા તરીકે મૂક્યા હતા તેમાં હાલોલ નગરપાલિકાની આકારણી સામેલ હતી જે આકારણી બાબતે નગરપાલિકાના રેકર્ડમાં તપાસ કરતા અરજદારે જે આકારણીની નકલ દસ્તાવેજ તરીકે પુરાવામાં મુકેલ હતી જે તે આકારણીની નકલ ખોટી અને જૂઠી હોવાનું ખૂલવા પામ્યું હતું અને આકારણીની નકલમાં કરવામાં આવેલા સહી સિક્કા પણ ખોટા હતા જેમાં આકારણીની નકલમાં નગરપાલિકાના ઓફિસ રાઉન્ડ સીલ લગાવેલા હતા જે રાઉન્ડ સીલ પણ બનાવટી રીતે બનેલા હોવાનું તપાસમાં ખૂલવા પામ્યું હતું જ્યારે જે જગ્યાએ અરજદાર જશવંતભાઈ રમણભાઈ પરમારે વિજ કનેક્શન મેળવવા માટે અરજી કરી હતી તે જગ્યાની ખરાઈ ગોધરા વિભાગ ખાતેથી કરાઈ હતી જેમાં તે જગ્યા પણ રેલ્વે વિભાગની સરકારી જમીન હોવાનું ખુલવા પામ્યું હતું. જેમાં જશવંતભાઈ રમણભાઈ પરમાર રેલ્વેની જમીન પર હાલોલ નગરપાલિકાની ખોટી આકારણીનો ઉપયોગ કરી ખોટા સહી સિક્કા કરી વીજ કનેક્શન મેળવવા માટેનું કારસ્તાન કરી સરકારી જમીન પચાવી પાડવાનો કારસો રચી સરકારી દસ્તાવેજનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું સામે આવતા હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરે જશવંતભાઈ રમણભાઈ પરમાર સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જશવંતભાઈ રમણલાલ પરમાર સામે આઈ.પી.સી.ની કલમો ૪૬૫,૪૬૭,૪૬૮ અને ૪૭૧ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution