વડોદરા,તા. ૨૩
સાવલી તાલુકાના મોક્સી ગામમાં હ્રદય હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક માતાએ આજે સવારે પોતાની નવજાત બાળકીને તરછોડી દીધી હતી. ગામમાં આવેલી અવાવરું જગ્યાએ તરછોડાયેલી નવજાત બાળકી દર્દથી કણસતી હાલતમાં મળી આવી હતી અને બાળકી પર કીડીઓ પણ ચઢી ગઇ હતી. જોકે ગામ લોકોએ બાળકીને ગોદડીમાં લઇને તુરંત જ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપી છે. સાવલી પોલીસે બાળકીને તરછોડી દેનાર માતા વિરુદ્ધ ગુનો નોંધીને શોધખોળ આદરી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સીમાં ગામમાં રહેતા બંટીભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે, આજે સવારે ૬ વાગ્યાની આસપાસ અમારા ગામમાં એક નાના બાળકનો સતત રડવાનો અવાજ સંભળાઇ રહ્યો હતો. આ દરમિયાન મારા ઘર નજીક આવેલા મકાનના ઓટલા પર બાળકીને કણસતી જોઇને લોકોએ મને ફોન કર્યો હતો, જેથી હું તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો. પહોંચીને જોતા આ બાળકી તાજી જન્મેલી હોવાનુ માલુમ પડ્યું હતું અને તેની નાળ પણ તેના શરીરથી છુટ્ટી કરેલી નહોતી અને માસૂમ બાળકીના શરીર ઉપર કીડીઓ ચઢી જતા તે કણસી રહી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતુંકે, બાળકીને કણસતી જોઇને તાત્કાલિક અમે લોકોએ તેને સાફ કરીને ગોદળીમાં મુકી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જ્યારબાદ તેણીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યારબાદ આ ઘટનાની જાણ સાવલી પોલીસને કરવામાં આવતા પોલીસે પોતાની નવજાત બાળકીને નિર્દયતાથી ત્યજી દેનાર માતા વિરુદ્ધ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.