મેટ્રો શહેરોની સરખામણીમાં દેશના ટિયર-૨ શહેરોમાં પ્રોપર્ટી સૌથી વધુ મોંઘી થઈ


નવી દિલ્હી,તા.૧૭

એક વર્ષમાં મોટા મેટ્રો શહેરોની સરખામણીમાં દેશના ટિયર-૨ શહેરોમાં પ્રોપર્ટી સૌથી વધુ મોંઘી થઈ છે. નેશનલ હાઉસિંગ બેન્ક (એનએચબી)ના તાજેતરના રિપોર્ટ મુજબ, ૧ એપ્રિલ ૨૦૨૩થી ૩૧ માર્ચ ૨૦૨૪ની વચ્ચે ૯ ટિયર-૨ શહેરોમાં બાંધકામ હેઠળની મિલકતોના સૌથી વધુ ૧૮% ભાવ ભોપાલમાં વધ્યાં છે. તે પછી ઈન્દોર(૧૬.૫૨%) અને ચંડીગઢ(૧૪.૯૨%) રહ્યા. તેની સરખામણીમાં તૈયાર મકાનોની વાત કરીએ તો સૌથી વધુ કિંમતો ચંડીગઢ (૧૭.૫૫%)માં વધી છે. એટલે કે લોકો તૈયાર મકાનોને બદલે બાંધકામ હેઠળના મકાનો ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કોવિડ બાદ ટિયર-૨ શહેરોમાં પ્રોપર્ટીના ભાવમાં ૫૦%નો વધારો થયો છે. જ્યારે મોટા શહેરોમાં આ આંકડો માત્ર ૫થી ૭% છે. એવો અંદાજ છે કે કિંમતોમાં વધારો થવા છતાં આ વર્ષે ટિયર-૨ શહેરોમાં ૨૫ લાખ રૂપિયા સુધીની કિંમતના ૧૮ લાખ મકાનો વેચાઈ શકે છે. રિપોર્ટ અનુસાર લખનૌમાં નિર્માણાધીન મકાનોની કિંમત વધવાને બદલે ઘટી છે.

પટનામાં જમીનની કિંમત રૂ. ૮૯૦૬ પ્રતિ ચોરસ ફૂટ છે. આ ભાવ પટનામાં ૧૧૫૭ લોકેશનના આધારે કાઢવામાં આવ્યા છે. તેની સરખામણીમાં અમદાવાદમાં પ્રોપર્ટીના રેટ ૫૬૪૨ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ છે. અહીં ૫૪ હજાર લોકેશન પર સરેરાશ આ ભાવ છે. જાેકે, અમદાવાદમાં રેડી ટુ પઝેશન પ્રોપર્ટીની કિંમત રૂ. ૭,૧૩૧ ચોરસ ફૂટ છે. ઈન્દોરમાં કિંમત રૂ. ૪૪૮૦, ભોપાલમાં રૂ. ૫૧૨૭, રાંચીમાં રૂ. ૬૯૮૩ અને જયપુરમાં રૂ. ૫૭૫૪ પ્રતિ ચોરસ ફૂટ છે. દેશમાં હાલમાં માત્ર ટિયર-૨ અને નાના શહેરો જ રિયલ એસ્ટેટ સેક્ટરનું સંચાલન કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution