નિષ્ફળ છતાં જનચેતનાનો સંચારક ઃ કચ્છ સત્યાગ્રહ

 ૧૯૬પના વર્ષમાં પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો અને ભારત–પાક યુદ્ધના મંડાણ થયાં એ અંગેનો ઈતિહાસ જાણીતો છેે; આ યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને પચાવી પાડેલા કચ્છના વિસ્તારો વિઘાકોટ, સરદારચોકી, બીયારબેટ, કરીમશાહી, નાલાબેટ, કંજરકોટ, છાડબેટ અને ધાર બન્નીને પરત મેળવવા ઈન્ટરનેશનલ ટ્રીબ્યુનલ સમક્ષ આખુય પ્રકરણ ગયું અને ટ્રીબ્યુનલે જે ચૂકાદો આપ્યો એ 'કચ્છ એવોર્ડ' તરીકે જાણીતો થયો હતો. આ ચૂકાદામાં વિઘાકોટ, સરદારચોકી, બીયારબેટ, કરીમશાહી, નાલાબેટ વિસ્તારો કચ્છને પરત મળ્યા પરંતુ કિંમતી એવા કંજરકોટ, છાડબેટ અને ધારબન્ની જેવા વિસ્તારો પંચે પાકિસ્તાન પાસે રહેવા દીધા. પરીણામે કચ્છમાં વિરોધનો વાવંટોળ ઉઠયો અને ઐતિહાસિક કચ્છ સત્યાગ્રહના મંડાણ થયા. આ કચ્છ સત્યાગ્રહ અંગે કચ્છના સૌથી જુના વર્તમાનપત્ર જયકચ્છમાં એ સમયે પ્રસિદ્ધ થયેલા અહેવાલો જયકચ્છની ફાઈલમાં આજે પણ એક મહત્વના દસ્તાવેજાે તરીકે સચવાયા છે. માત્ર અઢાર દિવસ ચાલેલા અને કોઈ નિષ્કર્ષ વિના આટોપી લેવાયેલા આ સત્યાગ્રહ અંગે કેટલીક નોંધપાત્ર વાતો અહી કરવામા આવી છે.

     તા. ૧૯મી ફેબુ્રઆરી ૧૯૬૮ના દિવસે આંતરરાષ્ટ્રીય પંચે ચૂકાદો જાહેર કર્યો એના બીજા જ દિવસે જય કચ્છના તંત્રી ફૂલશંકરભાઈ પટ્ટણીએ ભારત સરકારની ઝાટકણી કાઢતા પોતાના ધારદાર અગ્રલેખના મથાળે લખ્યું છે કે, 'આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાની લગનમાં ભારતની સરકાર શહીદીને ભૂલી ગઈ.. આ અગ્રલેખમાં તેમણે ભારત સરકારની ટીકાકરતાં યુદ્ધ દરમ્યાન દેશ માટે જાન આપનારા શહીદ જવાનોને યાદ કરતાં લખ્યું છે કે, શહીદ જવાનોએ પોતાના પ્રાણના ભોગે દેશની સુરક્ષા કરી કંજરકોટ અને છાડબેટની ધરતી પર સામી છાતીએ ગોળીઓ ઝીલી છેે. પરંતુ અફસોસ એ વાતનો છે કે, જનતાએ ચૂંટેલી સરકાર દેશના સીમાડા સાચવવામાં નિષ્ફળ ગઈ છે. જે ભૂમિ પર લડતાં અનેક જવાનોએ પોતાના પ્રાણ આપ્યા એ જ પવિત્ર ભૂમિ કંજરકોટ, છાડબેટ અને ધારબન્ની પાકિસ્તાનને આપવા અંગેના ચૂકાદાને સ્વીકારવા સરકાર તૈયાર થઈ ગઈ. એમણે શહીદ જવાનોને સંબોધી લખ્યું છે કે, 'તારી શુરવીરતાને , બહાદૂરીને સરકાર ભલે ભૂલી ગઈ પરંતુ પ્રજા એને કદીય નહીં ભૂલે'

     એ ચૂકાદાની કડક આલોચના કરતા અગ્રલેખમાં શ્રી ફૂલશંકરભાઈ લખે છે કે, શરીરના બધાં અંગો મળ્યાં પણ નાક ગૂમાવવું પડયું છે. પાકિસ્તાનની સલામતી અને શાંતિ ન જાેખમાય એવા કારણોસર ટ્રીબ્યૂનલે કચ્છનો કિંમતી ઘાસીયાં મેદાનો ધરાવતો વિસ્તાર, રસ્તા, પાણીની લાઈનો, બોરિંગ ધરાવતા કંજરકોટ અને છાડબેટ પાકિસ્તાનને સોંપી દીધાં ¦જે નર્યો અન્યાય છે, આંતરરાષ્ટ્રીય પંચને ન્યાય કરવાનું કામ આપણે સોંપ્યું હતું , સીમા અંકિત કરવાનું કામ સોંપ્યું હતું. અમુક સીમા અંકિત કરવાથી પાકિસ્તાનની શાંતિ અને સલામતી જાેખમાશે એ નકકી કરવાનું કામ તેને સોંપવામાં નહોતું આવ્યું.

એ સમયના અગ્રણીઓના મત શા હતા ?...

     કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ અધ્યક્ષ અને કોંગે્રસના આગેવાન કાંતિપ્રસાદ અંતાણીએ આ ચૂકાદા અંગે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'બે પાડોશી દેશો વચ્ચે શાંતિ સલાહ માટે ભારતનો થોડો પ્રદેશ જે કચ્છના રણ તરીકે સૈકાઓથી સ્થાપિત છે તેમાંથી દેવો પડે છે, તેનો ભોગ આપવો પડે છે. એવી સ્થિતિ આ એવોર્ડથી આપણી સામે આવી છે અને તે બે દેશો વચ્ચે સંબંધો સુધારવા માટે આપણે એ ભોગ સહન કરવો જ રહ્યો એમાં જ આંતરરાષ્ટ્રીય પંચ તરફની આપણી બદબની શોભા છે'.

     તો એ સમયના રાજકીય આગેવાન પૂર્વ સાંસદ અને ધારાસભ્ય ગુલાબશંકર ધોળકિયાએ ભારત સરકારની ભૂલના પરિણામ કચ્છએ ભોગવવાં પડે છે તેનું દુઃખ વ્યકત કરતાં પોતાનો અભિપ્રાય આ રીતે આપ્યો હતો. ‘એ શંકા વગરની વાત છે કે, કચ્છના મહારાવ અને બ્રિટિશ સરકાર વચ્ચે નકકી થયેલી આંતરરાષ્ટ્રીય સરદહમાંથી એકાદ માઈલ પણ પાકિસ્તાનને જાય એ ગંભીર અને અસંતોષનો વિષય થાય એટલે ભારતના પ્રતિનિધિએ તેનો અસ્વીકાર કર્યો છે એ વાસ્તવિક છે. તકરારી વિભાગનો એક દશાંશ પાકિસ્તાનને જાય એ ઓછું નથી અને મને તો શંકા છે કે, તેમાં જે જમીન માટે આપણા જવાનોએ પ્રાણ આપ્યા છે તે બધી જમીન કદાચ પાકિસ્તાનને આપવામાં આવી હોય. આ ઘણું કમનસીબ છે પરંતુ આ બાબતમાં આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યૂનલના ચૂકાદાને સ્વીકારવાની ભારત સરકારે કરેલી ભૂલના પરિણામ આપણે ભાોગવ્યે છૂટકો છે’.

     તો એ સમયના દેશના અગ્રણી રાજાજી તરીકે જાણીતા રાજપુરુષ ચક્રવર્તી રાજગોપાલાચાર્યજી એ તો આ ચૂકાદાને સ્વકારતાં હદ કરી નાખે એવો મત આપી ૩૦૦ ચોં.મી.નો મામુલી વિસ્તાર ગૂમાવ્યો તેમાં શું ? એવો બેફીકરો મત આપ્યો હતો. આ ચૂકાદાનો અસ્વીકાર કરવા ભારત સરકારને વિનંતિ કરતાં કચ્છના રાજસભાના એ સમયના સાંસદ ડો. બિહારીલાલ અંતાણીનું મંતવ્ય પણ જય કચ્છના પાને છપાયું છે. એમણે આ ચૂકાદાને અસ્વીકારતાં જણાવ્યું હતું કે, ‘કચ્છ જેવાં નાના રાજ્યે અનેક આક્રમણો થયા છતાં છસો વર્ષમાં જે નથી ગૂમાવ્યું એ બળવાન ભારત સરકારે એક યુદ્ધમાં ગૂમાવી દીધું છે. આ ચૂકાદાએ કચ્છના લોકોને ભારે આઘાત પહોંચાડયો છે અને તેની વિરુદ્ધ આખાંય કચ્છમાં સ્વયંપે્રરીત હળતાલ પડી હતી અને મને આ ચૂકાદાનો અસ્વીકાર કરતા ૧પ૦ જેટલા તાર મળ્યા છે’.

     આ ચૂકાદા અંગે ભારોભાર ગ્લાની અનુભવતા કચ્છના મહારાવ મદનસિંહજીએ જણાવ્યું કે, ‘ આ ચૂકાદાના સ્વીકારથી ભારતીય સંરક્ષણ લાઈનને પાછી હટાવવી પડશે આથી કચ્છના લોકોની લાગણી આ પ્રશ્ન પરત્વે દુઃખદ અને નિરાશાભરી છે’. આ ચુકાદાને અસ્વીકાર કરવા વિનંતી કરતો એક પત્ર એમણે ભારતના વડાપ્રધાનને લખ્યો હોવાનું જણાવી કચ્છ જ્યારે ભારત સંઘમાં ભળ્યું ત્યારે સરહદમાં ફેરફાર કરતી વખતે રાજવીઓને પૂછવાનું આપવામાં આવેલા વચનને પણ ભારત સરકાર ભૂલી ગઈ તેનું પણ તેમણે દુઃખ વ્યાક્ત કર્યુ હતું.

 લોક જુવાળ જાગ્યો અને મંડાયો કચ્છ સત્યાગ્રહ ઃ

      ટ્રીબ્યુનલના ચૂકાદાને સ્વકારવાના વિરોધમાં કચ્છમાં જન સત્યાગ્રહના મંડાણ થયાં હતા અને ર૧મી એપ્રિલ ૧૯૬૮ થી આઠમી મે ૧૯૬૮ સુધી અઢાર દિવસ સત્યાગ્રહ ચાલ્યો હતો એ સમયે દેશભરમાંથી વિરોધપક્ષના નેતાઓ કચ્છમાં ઉતરી પડયા હતા તેની રોજેરોજની વિગતો જયકચ્છના પાને પાને મુદ્રીત કરેલી છે.

     એ સમયે કચ્છના દુઃખમાં સહભાગી થવા અને સત્યાગ્રહને દોરવણી આપવા ઉતરી પડેલા નેતાઓની યાદી પણ અચરજ પમાડે એવી છે. જે જાેઈએ તો જગન્નાથ જાેશી, આરીફ બેગ, હરિસિંહ ગોહિલ, હેમાબહેન આચાર્ય, જ્યોર્જ ફર્નાન્ડીસ, અટલબિહારી બાજપાઈ,હેમ બરુઆ, મધુ લીમયે, રાજનારાયણ, સનત મહેતા, નટવરલાલ શાહ, ચીમનભાઈ શુકલ, જસવંત પંડયા, સૂર્યંકાંત વકીલ,મદનલાલ ખુરાના, વસંત ગજેન્દ્ર ગડકર, વિદ્યાબહેન ગજેન્દ્ર ગડકર, અરવિંદ મણિયાર, નરેશ દેસાઈ, ઉતમરાવ પાટિલ, કર્પૂરી ઠાકુર, મૃણાલ ગોરે, કેશુભાઈ પટેલ, તુલસી બોડા, નરભેરામ પાનેરી. સહિતના નેતાઓ દેશભરમાંથી સત્યાગ્રહની આગેવાની લેવા આવ્યા હતા. આ નેતાઓની સાથે ભુજ ની કોલેજના વિદ્યાર્થીઓ, કચ્છની હાઈસ્કુલના વિદ્યાર્થીઓ, કચ્છના યુવાનો, જનસંઘ, સમાજવાદી પક્ષ, એસ.એસ.પી, પ્રજા સમાજવાદી પક્ષ, સંયુક્‌ સમાજવાદી પક્ષ જેવા પક્ષો સાથે હજારોની સંખ્યામાં લોક સ્વયંભૂ જાેડાયા હતા અને દિવસો સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. આ સત્યાગ્રહના સંચાલન માટે સમર્પણ વિરોધી સમિતીની રચના કરવામાં આવી હતી અને સરપટના નાકે ચાર હજારથી વધારે લોકો ખાવડા તરફ સત્યાગ્રહ કૂચ લઈ જવા એકઠા થયા હતા.

 અલાયદું પોલીસ તંત્ર

     આંદોલનને ખાળવા સરકારે કચ્છમાં એક ખાસ અલાયદુ પોલીસ તંત્ર તૈયાર કર્યુ હતું. જેમાં એક ડી.એસ.પી., દશ ડી.વાય.એસ.પી., બાર પોલીસ ઇન્સ્પેકટર તથા સેંકડો પોલીસ જવાનોની વ્યવસ્થા કરવામા આવી હતી. આ પોલીસ દળને છેક રાજસ્થાના બારમેડથી કચ્છમાં ખાવડા સુધી તૈનાત કરવામાં આવ્યું હતું. આ માટે ભારત સરકારે સવા લાખ જેટલો ખર્ચ કર્યો હતો.

સત્યાગ્રહનું બાળ મરણઃ

     સત્યાગ્રહના સતરમાં દિવસે જ જનસંઘ અને સમાજવાદી પક્ષ વચ્ચે મતભેદો સામે આવ્યા. સત્યાગ્રહના સરઘસમાં પક્ષીય ધ્વજ રાખવાના વિવાદથી આ મતભેદો સર્જાયા. પરિણામે સમાજવાદી પક્ષે સરઘસમાં જાેડાવા ઈન્કાર કરી દીધો હતો. તો આરીફ બેગ તથા મધ્યપ્રદેશના પ્રધાન ભંવરસિંહે સમિતિમાંથી પોતાના રાજીનામા આપ્યાં હતાં. ખાવડા કૂચ પછી સત્યાગ્રહ આગળ વધે એ પહેલાં જ સત્યાગ્રહ માટે રચાયેલી કચ્છ સમર્પણ વિરોધી સમિતિએ પોતાના અસ્તિત્વનો અંત આણી ખાવડા સત્યાગ્રહના અંતની અચાનક જાહેરાત કરી દીધી હતી. સમિતિએ ૧૯મી મેએ અમદાવાદ ખાતે યાજાયેલ રાજ્ય વ્યાપી કાર્યક્રમ પણ રદ કરી દીધો હતો. આમ સત્યાગ્રહનો કચ્છના પ્રશ્નનો ઉકેલ આવ્યા વિના જ સમાપન કરી કચ્છને પોતાના નસીબ પર છોડી દેવાયું હતું. આમ કચ્છ સત્યાગ્રહ નિષ્ફળ રહ્યો હોવા છતાં કચ્છમાં ક્રાંતિની જુવાળ લાવવામાં સફળ રહ્યો હોવાનું જાેઈ શકાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution