રાજપીપળા-
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળામાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની જંગી રેલી અને જાહેરસભા હતી. એ સભામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા થોડાક વધારે આક્રમક દેખાયા હતા. એમણે જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને આડેહાથે લીધા હતા.મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ચેતવણી આપી હતી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે.
રાજપીપળા પાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સાંસદ કેમ ચુપ છે એવા પ્રશ્નો હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે ત્યારે એ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવા જણાવ્યું હતું કે રાજપીપળામાં કેટલાક દૂધના ધોયેલાઓ નિકળી પડ્યા છે. ૧૦૦ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી. મારા નામે નનામી પત્રિકાઓ મોકલનારા શાનમાં સમજી જાવ, ઈંટનો જવાબ પથ્થરથી આપતા મને આવડે છે ચૂંટણી છે એટલે મને મર્યાદા નડે છે. મને બધા જ દાવ આવડે છે હું અભિમન્યુ નથી કે ૬ કોઠા જ જાણું છું, મને ૭ કોઠાનું જ્ઞાન છે અને ૮ મો કોઠો પણ શીખી રહ્યો છું.
મને બિલકુલ પણ છંછેડવાનો પ્રયત્ન કરતા નહિ, જાે મને વધારે છંછેડશો તો મારી પાસે પણ તમારી કેસેટો છે ખોલતા બિલકુલ વાર નહિ લાગે.હું એવા નફ્ફટ અને નાપપથી ગભરાતો નથી. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે માત્ર ૧% લોકો રાજપીપળાને બાનમાં લે છે. રાજપીપળામાં કેવા આકાઓ હતા, નિર્દોષ લોકોને કોણ રંજાડતું હતું, ક્યાં વોર્ડમાં ક્યાં વિસ્તારમાં તલવાર-ધારીયા નીકળતા હતા અને સારા સારા વ્યક્તિઓ પર હુમલાઓ થતા હતા એ ભૂલતા નહિ. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળામાં ભાજપના રાજમાં જ શાંતિ આવી છે.