ગલવાન ઘાટીમાં શહીદ થનાર કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્ર મળશે

દિલ્હી-

પૂર્વ લદાખમાં ગલવાન ઘાટીમાં ચીનની સેનાની સાથે થયેલા હિંસક ઘર્ષણમાં શહીદ થનારા કર્નલ સંતોષ બાબૂને આ વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. ગણતંત્ર દિવસના પ્રસંગે દર વર્ષે દેશની રક્ષા માટે જીવની બાજી લગાવનારા સૈનિકોને વીરતા પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. આ વખતે ગણતંત્ર દિવસ પર કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે.

નોંધનીય છે કે, પરમવીર ચક્ર બાદ મહાવીર ચક્ર જ ભારતીય સેનામાં સૌથી મોટું સન્માન છે. સરકારના સૂત્રોનું માનીએ તો, ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણમાં ચીની સેનાનો મુકાબલો કરનારા અનેક જવાનોને આ વર્ષે ગેલન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ આ વર્ષે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થનારા છજીૈં મોહન લાલને પણ ગેલન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મોહન લાલે જ LED  લાગેલી કારને ઓળખી હતી અને બોમ્બર પર ગોળીબાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગલવાન ઘાટીમાં ચીની સેનાની સાથે હિંસક ઘર્ષણમાં શહીદ થયેલા કર્નલ બી. સંતોષ બાબૂ ચીની પક્ષ સાથે થયેલી વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા હતા, પરંતુ મોડી રાત્રે થયેલા હિંસક ઘર્ષણમાં તેઓ શહીદ થઈ ગયા. ૧૬ બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર રહેલા કર્નલ સંતોષની સાથે તે રાત્રે વધુ ૧૯ જવાન શહીદ થયા હતા. આ તમામે દેશની રક્ષા માટે પોતાના જીવ ન્યોછાવર કરી દીધા હતા અને ચીની સૈનિકોને ઘૂસણખોરી કરતાં રોકી દીધા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution