અમદાવાદ-
કોરોના કાળ વચ્ચે ફરી એક વાર શિયાળાની શરુઆત થઇ ચુકી છે. રાજ્યમાં દિવાળીના તહેવાર પહેલા ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રીના તાપમાન માં ભારે ઘટાડો નોધવામાં આવ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું છે. નોંધપાત્ર છે કે ગુજરાત રાજ્યના તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને રાત્રીએ અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5, વલસાડમાં 15.5, રાજકોટમાં 19.4, તો વડોદરામાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનારા ચાર દિવસોમાં ઠંડીનું જોર હજું વધશે. તાપમાનનો પારો ગગડશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં એક્ટિવ થયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધી રહ્યું છે. સામાન્ય રીતે શિયાળો શરૂ થતા જ ઉત્તર પૂર્વી અને પછી પશ્ચિમી પવનનો મારો શરૂ થાય છે. જે અતિ ઠંડા હોય છે. આવનારા ચાર દિવસમાં ઠંડીનો પારો અમદાવાદમાં 18 ડિગ્રીથી નીચે જશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ વર્ષે સામાન્ય કરતા ઠંડી વધારે પડશે. પ્રશાંત મહાસાગરને કારણે આ વખતે ઠંડીનું જોર વધારે રહેશે.
એટલે આવનારા દિવસોમાં ઠંડી વધશે. તા. 7 નવેમ્બરની આસપાસ ઠંડીનો ચમકારો વર્તાશે. જ્યારે 18 અને 19 નવેમ્બરની આસપાસ સવારે વધુ ઠંડી અનુભવાશે.