ચરોતરમાં શીતલહેર! પારો સિંગલ ડિજિટ!

આણંદ : આણંદ-નડિયાદમાં તાપમાન ૯ ડિગ્રીએ પહોંચી ગયું છે. ચરોતર થરથર ધ્રૂજી રહ્યું છે. પારો આખરે ગગડીને સિંગલ ડિજિટમાં પહોંચી ગયો છે. આજે આખો દિવસ ઠંડા પવનના સૂસવાટાં વાયા હતાં. દિવસે પણ ગરમ કપડાં પહેરીને નીકળેલાં લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો. સોમવાર રાતથી જ તાપમાનનો પારો અચાનક ગગડી ગયો હતો. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાને પગલે ઉત્તર-પૂર્વમાંથી ફૂંકાઈ રહેલાં ઠંડા પવનોને કારણે આણંદ-નડિયાદ સહિત સમગ્ર ચરોતરમાં શીતલહેર પ્રસરી ગઈ છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને સીધો સિંગલ ડિજિટમાં પહોંચી જતાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે ચરોતરમાં લઘુતમ તાપમાન ૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. ઉત્તર-પૂર્વમાંથી ફૂંકાઈ રહેલાં શીતપવનોએ ભરબપોરે માહોલ ટાઢોબોળ કરી દીધો હતો.

સોમવારે મોડીરાતથી પારો ગગડી જતાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. બેથી ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો લગભગ ૧૫-૧૬ ડિગ્રીની આસપાસ રહેતો હતો. ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે સોમવારે મોડીરાતે પારો લગભગ પાંચથી છ ડિગ્રી ગગડીને સીધો ૯ ડિગ્રી પર પહોંચી ગયો હતો. એકાએક તાપમાન પાંચથી છ ડિગ્રી ઘટી જતાં શીતલહેર ફરી વળી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અહેવાલો અનુસાર, મહત્તમ તાપમાનમાં ૪ ડિગ્રીના ઘટાડા સાથે ૨૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી નોંધાયું હતું. ચરોતરમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની ગતિ ૪.૫ કિમી પ્રતિ કલાકની રહી હતી. પવનની ગતિ વધી જતાં દિવસે પણ ગરમ કપડાં પહેરીને લોકોએ બહાર નીકળવું પડ્યું હતું. હવામાન વિભાગના વર્તારા મુજબ, હજુ આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે, આગામી ૧૧મી જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન વધીને ૧૪ ડિગ્રી આસપાસ રહેશે. આ દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેશે, જેથી દિવસે પણ કાતિલ ઠંડીનો અનુભવ થશે. કાશ્મીર અને ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને ત્યાંથી ફૂંકાઈ રહેલાં બર્ફિલા પવનોને કારણે ટુ વ્હીલર ચાલકોને ફરજિયાતપણે ગરમ વસ્ત્રો, ટોપી અને હાથે મોજા પહેરવાની ફરજ પડી હતી.

ઠંડીથી બચવા માટે શહેરીજનો દ્વારા ઠેર-ઠેર તાપણાં બેઠકો પણ શરૂ કરી છે. બીજી તરફ કોરોના વર્ષ ૨૦૨૦ની વિદાય અને ૨૦૨૧ના પ્રારંભની વચ્ચે થર્ટી ફર્સ્ટની ઉજવણી વખતે પણ કાતિલ ઠંડી હશે. આમ પણ કોરોના મહામારીને કારણે આ વખતે થર્ટીફર્સ્ટની ઉજવણી ઘરમેળે કરવામાં આવશે. લોકો પરિવાર સાથે ખાણીપીણીનો કાર્યક્રમ રાખીને ઘરમાં જ નવા વર્ષને વધાવશે. ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ તેમજ હોટલ-રેસ્ટોરાંમાં જાહેર ઉજવણી ઉપર ઓથોરિટી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાડ થીજાવતી ઠંડીને કારણે પણ લોકો ઘરોમાં જ ભરાઈ રહીને થર્ટીફર્સ્ટની ઉજવણી પરિવારના સભ્યો સાથે કરશે, તેવું માનવામાં આવી રહ્યું છે.

બાલાસિનોર પંથકમાં છેલ્લાં બે દિવસથી ઠંડીએ જાેર પકડતાં રહીશો ઠુંઠવાયા

બાલાસિનોર : બાલાસિનોર પંથકમાં છેલ્લા બે દિવસથી ઠંડીએ જાેર પકડ્યું છે. ગત રાત્રિએ જ બાલાસિનોર પંથકમાં તાપમાનનો પારો ગગડી જતાં લોકોએ તાપણાનો સહારો લઇ ઠંડીથી રક્ષણ મેળવતાં નજરે પડે છે. વધુ ફૂંકાતા પવનને પગલે બજારો વહેલાં બંધ થવા લાગ્યાં છે. લોકો ઘરમાં જ રહી ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યાં છે. બાલાસિનોર પંથકમાં ઠંડીનો દોર શરૂ થયો છે. છેલ્લાં બે દિવસથી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ફૂંકાતા ઠંડા પવનથી લોકો ઠૂંઠવાઇ રહ્યાં છે સાથે જ નગરમાં હવે ઠેર-ઠેર લોકો તાપણાં સળગાવી તેમજ સાંજે વહેલાં ઘરમાં જતી રહી ઠંડીથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

હાલ શિયાળાનો પીક પીરિયડ, ઠંડીનું જાેર વધશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૧૦થી ૧૨ દિવસ સુધી ઠંડીનું જાેર યથાવત રહેશે. બર્ફિલા પવનોને કારણે ૮થી ૧૨ ડિગ્રીની વચ્ચે પારો રહે તેવી સંભાવના છે. હાલમાં શિયાળાનો પીક પીરિયડ છે. આ સમયગાળા દરમિયાન ઠંડીનું જાેર રહેશે. આગામી દિવસોમાં ઉત્તર-પૂર્વથી વાતા ઠંડા પવનોને કારણે ઠંડીનું જાેર બે અઠવાડિયા સુધી યથાવત રહેશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution