'તાઉ તે' વાવાઝોડું ગુજરાતના આ દરિયા કિનારા નજીક ત્રાટકે તેવી વકી, CMના સ્ટેન્ડ ટુના આદેશ

ગાંધીનગર-

ગુજરાતના દરિયાકાંઠે 'તાઉ તે' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 'તાઉ તે' વાવાઝોડું 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે વાવાઝોડું. દિવથી 20 કિમી પૂર્વ દિશા તરફ વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે પવનની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક હશે કે જે વધીને 185 કિમી કલાક થઈ શકે છે.

હાલમાં દિવથી 220અને વેરાવળથી 260 કિમી દૂર છે વાવાઝોડું. છેલ્લા 6 કલાકથી આશરે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહયું છે. હાલમાં સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્નલ આપવામાં આવ્યા છે જેને લઈને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી , ખેડા, પાટણમાં ભારે વરસાદ રહેશે. તાઉ તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકશે અને કાંઠાના વિસ્તારને ઘમરોળશે તે પહેલા સીએમ રૂપાણીએ વાવાઝોડા મુદ્દે માહિતી આપી છે કે સાંજે 8 વાગ્યા પછી વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તમામ સંભાવનાને આધિન તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

દરિયાકાંઠાના દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRFની ટીમો પણ પહોંચી ગઈ છે. પાવર બેકઅપ ઊભો કરવા સૂચના અપાઈ છે. કુલ 1 હજાર 428 જગ્યાએ પાવર બેક અપ ઊભા કરાયા છે. વીજ કંપનીની 661 ટીમ કાર્યરત છે. 444 આરોગ્યની ટીમ કામે લગાડી છે. 174 આઈસીયુ ઓન વ્હીલ સ્ટેન્ડ ટુ છે.. 607 જેટલી 108ની એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ છે. તેમણે કહ્યું કે કોરોના દર્દીઓને તકલીફ ન પડે તે માટે 3 દિવસ ચાલે તેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવાયા છે. 1700 ટન જેટલા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને લઈ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત સંપર્કમાં છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution