ગાંધીનગર-
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રવિવારે વડોદરામાં જાહેર સભાને સંબોધતી વખતે ચક્કર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ સભા સ્થળ પર જ લથડી ગયા હતા. ત્યારબાદ તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલમાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મેડિકલ બુલેટિન જાહેર કરતી વખતે રાજ્યનાં આરોગ્ય પ્રધાન નિતીન પટેલે કહ્યું કે, રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાનાં દર્દી પ્રમાણે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. એક જ સ્પેશીયલ રૂમમાં દિવસમાં બે વખત તેમની તપાસ કરવામાં આવશે. જ્યારે CM તરીકેનો ચાર્જ અન્ય કોઈપણ વ્યક્તિને સોંપવામાં નહીં આવે તેવું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ ઉપરાંત સીએમ વિજય રૂપાણીની તબિયત અત્યારે સ્થિર હોવાનું અને તેઓ ટેલિફોનિક રીતે તમામ લોકો સાથે સંપર્કમાં હોવાનું પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.