ગાંધીનગર-
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારી તથા મ્યુનિ.કમિશનર સાથે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિકાસ કામોના મુદ્દે રિવ્યુ બેઠક યોજી હતી. રાજકોટમાં ચાલતા અલગ અલગ પ્રોજેકટ અંગે મુખ્યમંત્રીએ અંગત રસ લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી અને પદાધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપી હતી. ચૂંટણીની તારીખોનું એલાન થાય તે પૂર્વે મોટા પ્રોજેકટોનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરી દેવા પણ આડકતરો ઈશારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અલગ અલગ મહાનગરપાલિકાઓની રિવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાંથી મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમાર ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી જ્યારે વહીવટી પાંખ તરફથી મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ હાજર રહ્યાં હતા. અંદાજે 2 કલાક સુધી ચાલેલી આ રિવ્યુ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજકોટ માટે અંગત રસ લઈ અર્બન ફોરેસ્ટ, અલગ અલગ બ્રિજ, આવાસ યોજના અને આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટના કામની પ્રગતિ વિશે માહિતી મેળવી હતી અને કામ નિયત સમય મર્યાદામાં કે ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સુચનાઓ પણઆપી હતી. રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના લાગુ કરવામાં આવી છે જેમાં 31મી ડિસેમ્બર સુધીમાં તમામ લોકોને નળ વાંટે પીવાનું શુદ્ધ પાણી આપવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે.
આ યોજના અંતર્ગત ભુતીયા નળ જોડાણ પણ માત્ર 500 રૂપિયા વસુલી નિયમીત કરી દેવાની જોગવાઈ છે. નલ જે જલ યોજનાને આગળ વધારવા માટે ખાસ તાકીત કરાઈ હતી. જરૂર પડે તો સ્લમ વિસ્તારોમાં લોકોને પિવાનું પાણી મળી રહે તે માટે સ્ટેન્ડ પોસ્ટ મુકવાની તાકીદ કરાઈ છે. મહાપાલિકાની ચૂંટણી ત્રણ મહિના માટે ચોક્કસ પાછી ઠેલાય છે ચૂંટણીનું તારીખોનું હેલાન થાય તે પૂર્વે જ મોટા પ્રોજેકટનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરી દેવાની પણ આડકતરી તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.