અમદાવાદ-
હવામાન ખાતાની આગાહી મુજબ છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા વરસવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા કેટલાક દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન તેમજ કરા સાથે ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક ભુજમાં ચૈત્ર માસમાં પણ ભાદરવાના ભુસાકા જેવો તાલ જોવા મળ્યો હતો. ભુજના વિવિધ વિસ્તારોમાં ઝાપટા થયા હતા. ભુજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છાંટા વરસ્યાના અહેવાલો સાંપડ્યા હતા. ભુજ તાલુકાના મિરજાપર, સુખપર, માનકુવા, સામત્રા, દેશલપર, કોટડા ચકાર, રેહા, હાજાપર, હરૂડી, જદુરા, વરલી, થરાવડા સહિતના પંથકમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે નખત્રાણા ભુજ તાલુકાને જોડતા પંથકમાં અને તરા, મંજલ સહિતના વિસ્તારોમાં ઝાપટા વરસ્યા હતા. આ તરફ અંજાર અને તાલુકાના મથડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવનના ભારે સુસવાટા અને ગાજવીજ સાથે માવઠુ થયું હતું. અંજારમાં થયેલા વરસાદને કારણે માર્ગો ભીંજાયા હતા. તો અમુક વિસ્તારોમાં પાણી પણ વહી નિકળ્યા હતા. તો માંડવી તાલુકાના ગઢશીશા પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. મંગવાણા, જીયાપર સહિતના પંથકમાં પણ ઝાપટા વરસ્યા હતા. તો કચ્છના બારડોલી સમાન નખત્રાણા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદી ઝાપટાથી ભીંજાયા હતા.