મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં સાફસફાઈ, ઇતિહાસમાં પહેલીવાર 80થી વધુ અધિકારીઓની બદલી

મુંબઇ

મહારાષ્ટ્ર સરકાર ધીમે ધીમે વધુ મુશીબતમાં ફસાતી જોવા મળી રહી છે. ટ્રાન્સફર રેકેટમાં મહારાષ્ટ્ર સરકાર ઘેરાઈ ગઈ છે. આ દરમિયાન મંગળવારે રાત્રે તેમાં એક નવો વિવાદ ઉભો થયો હતો. મુંબઈ પોલીસના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે મુંબઈ ક્રાઇમ બ્રાંચ સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ હોય. જી હા નવા પોલીસ કમિશનરે એક જ દિવસમાં 80 થી વધુ પોલીસ અધિકારીઓની બદલી કરી છે. જેમાંથી 65 ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ છે. લગભગ ક્રાઇમ બ્રાંચની તમામ યુનિટના વરિષ્ઠ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે.

જે અજય સાવંતે ડોન રવિ પૂજારીની ધરપકડ કરી હતી, ડોન આજાજ લકડાવાલાને પકડનાર અધિકારી સચિન કદમ, આઈપીએલ સપોર્ટ ફિક્સિંગ મામલાને હલ કરનાર નંદકુમાર ગોપાલે, આ દરેકને સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા સાઈડ પોસ્ટિંગમાં મોકલી દેવામાં આવ્યા છે. બદલી કરાયેલા અધિકારીઓમાં નિનાદ સાવંજનું પણ નામ આવ્યું છે, જેમણે ટેટરના અનેક કેસો સોલ્વ કર્યા હતા. તેમજ યુનિટ વનના સિનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી અઢાવનું નામ આમાં મુખ્ય માનવામાં આવી રહ્યું છે.

સચિન વાઝે પહેલા જે સીઆઈયુના પ્રભારી હતા અને હાલમાં એમઆઈડીસીની ક્રાઈમ બ્રાંચમાં હતા, તે અધિકારી વિનય ઘોરપડેની પણ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચની સચિન વાઝે એપિસોડથી ખૂબ બદનામી થઇ હતી. વાઝે ક્રાઈમ બ્રાંચના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ (CIU) નો હવાલો સંભાળતા હતા. પરંતુ મંગળવારે બદલી કરાયેલા અધિકારીઓમાં જેમનું નામ છે તેમની ગણતરી મુંબઈ પોલીસના સર્વશ્રેષ્ઠ તપાસ અધિકારીઓમાં થાય છે. આ બદલીઓથી ચોક્કસપણે એક નવો વિવાદ શરૂ થઇ ગયો છે.

એન્ટીલીયા કેસ હવે વધતો વધતો ટ્રાન્સફર સુધી પહોંચી ગયો છે. સચિન વાઝેની ધરપકડ, પરમબીરસિંહનો લેટર બોમ્બ, ત્યાર બાદ પરમબીર સિંહની સુપ્રીમમાં અરજી, આ દરેક મુદ્દામાં અનીલ દેશમુખ પર ભ્રષ્ટ્રાચારના આરોપ અને મહારાષ્ટ્ર સરકાર પર ઘણા સવાલો ઉઠ્યા છે. તેમજ વિપક્ષ સતત ગૃહમંત્રીના રાજીનામાંની માંગ કરી રહ્યો છે. આ વચ્ચે તાજેતરમાં જ NIAને સચિન વાઝેની સિક્રેટ ડાયરી મળી હતી. તેમજ અનીલ દેશમુખ પર 100 કરોડની ઉઘરાણીના આરોપોને લઈને આ ડાયરીને ખુબ અગત્યની માનવામાં આવી રહી છે. ઘટનાઓના ક્રમ બાદ હવે ટ્રાન્સફર મામલે વિવાદ સર્જાઈ રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution