દિલ્હી-
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનના બહાને ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. શનિવારે રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ખેડૂત આંદોલનને સમર્થન આપતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો કેપ્શનમાં લખ્યું છે - માટીનો કણ કણ ગુંજી રહ્યો છે, સરકારે સાંભળવું જ પડશે.
આ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કૃષિ કાયદાના મુદ્દે રાષ્ટ્રપતિને મળ્યા હતા. આ પછી, તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આ કાયદાઓથી ખેડૂતોને નુકસાન થશે, દેશ જોઈ રહ્યો છે કે ખેડૂત કાયદાની વિરુદ્ધ ઉભો છે. હું વડા પ્રધાનને કહેવા માંગુ છું કે ખેડૂત ત્યાસુધી નહીં ખસે જ્યા સુધી કાયદો પાછો લેવામાં નહી આવે.
આ પ્રસંગે રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે 'ભારતમાં લોકશાહી હવે નથી રહી, જો તમને લાગે કે તે છે, તો તે હવે તમારી કલ્પનામાં જ છે.'
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'ભારતમાં હવે લોકશાહી નથી અને જે લોકો પીએમની વિરુદ્ધ ઉભા રહેશે તેમને આતંકવાદી કહેવાશે, ભલે તેઓ સંઘના વડા મોહન ભાગવત હોય. રાહુલે કહ્યું, 'પીએમ મોદી માત્ર ક્રોની મૂડીવાદીઓ માટે પૈસા કમાઇ રહ્યા છે. જે પણ તેમની સામે ઉભા રહેવાનો પ્રયત્ન કરશે તેને આતંકવાદી કહેવામાં આવશે - પછી ભલે તે ખેડૂત હોય, મજૂર હોય અથવા મોહન ભાગવત.