શહેર-જિલ્લાનું ધો.૧૦નું પરિણામ ૭૭.૨૦%, ૨૭,૯૨૪ વિદ્યાર્થી પાસ

વડોદરા, તા. ૧૧

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ જ ઉંચુ જતા વડોદરાનું પરિણામ પણ ઉંચુ ગયું હતું. વડોદરા શહેર જિલ્લાનું પરિણામ ૭૭.૨૦ ટકા જાહેર થયું હતું. જે ૨૦૨૩ની સરખામણીમાં ૧૪.૯૬ ટકા પરિણામ વધ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઇ હતી. જેના પરિણામો બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં જ જાહેર કરવાની તૈયાર કરવામાં આવી હતી. જેના પગલે પરીક્ષાની સાથે સાથે જ પેપર ચકાસણી પણ શરૂ કરાઈ હતી. પરંતુ લોકસભા તેમજ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીના પગલે પરિણામો જાહેર કરી શક્યા ન હતા. જેથી ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાની સાથે જ પરિણામ જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પહેલા ધો. ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ અને હવે, આજે ધો. ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ અનુસાર વડોદરા શહેર જિલ્લાનું પરિણામ ૭૭.૨૦ ટકા જાહેર થયું હતું. જેની સામે ગત વર્ષે વડોદરાનું પરિણામ ૬૨.૨૪ ટકા હતું. ત્યારે સરખામણીએ આ વર્ષે પરિણામમાં ૧૪.૯૬ ટકા જેટલો વધારો નોંધાયો છે. વડોદરાસ શહેર જિલ્લામાં ૩૬,૧૬૯ વિદ્યાર્થીએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. જે પૈકી ૧૦૬૭ વિદ્યાર્થીએ એ-૧ ગ્રેડ મેળવી છે. જયારે કુલ ૨૭,૯૨૪ વિદ્યાર્થી પાસ થયા છે. વડોદરા શહેર જિલ્લામાં ૪૩ સ્કૂલનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જયારે ૩૦ ટકાથી ઓછું પરિણામ મેવનાર શાળાની સંખ્યા ૧૩ છે. વડોદરા શહેર અને જિલ્લામાં સૌથી વધારે પરિણામ વરણામા કેન્દ્રનું ૯૦.૬ ટકા જયારે સૌથી ઓછું પરિણામ રાયકા કેન્દ્રનું ૫૬.૪૦ ટકા આવ્યું છે. જયારે ૯૧થી ૯૯ ટકા વચ્ચે પરિણામ મેળવનાર શાળાની સંખ્યા ૧૦૬ છે. ૧૦૦ ટકા પરિણામ મેળવનાર શાળાની સંખ્યા ૨૦૨૩ની સરખામણીએ ૩૪ વધી છે. જયારે ૩૦ ટકાથી ઓછું પરિણામ મેળવનાર શાળાની સંખ્યામાં ૪૦નો ઘટાડો આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution