સિનસિનાટી-
અમેરિકાના સિનસિનાટીમાં ત્રણેક જગ્યાએ ગોળીબારમાં 18 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ચારનાં મોત થયાં છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે પડોશના એવોનડેલમાં ગોળીબારમાં ઘાયલ 21 વર્ષીય એન્ટોનિયો બ્લેયરનું હોસ્પિટલમાં મોત થયું છે.
મદદનીશ પોલીસ વડા પોલ ન્યુડીગેટે જણાવ્યું હતું કે શહેરના ઓવર-ધ રિને વિસ્તારમાં ગોળીબારની એક ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેની ઓળખ 34 વર્ષના રોબર્ટ રોગર્સ અને 30 વર્ષના જેક્વિઝ ગ્રાંટ તરીકે થઈ હતી. જોકે આ ગોળીબારમાં મૃત્યુ પામેલી ચોથી વ્યક્તિની માહિતી શેર નથી કરવામાં આવી.
આ સિવાય પાડોશના વોલનટ હિલ્સમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. એવોનડેલમાં ચાર લોકોને ગોળી વાગી હતી, પોલીસના જણાવ્યા મુજબબે લોકોના માર્યા જવાની આશંકા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર એક-દોઢ કલાકના અંતરે ગોળીબારની આ ઘટનાઓ બની હતી. ન્યુડીગેટે કહ્યું હતું કે આ ત્રણે ઘટનાઓ એકમેકથી અલગ છે, પરંતુ ભયાનક છે.