લેખકઃ સિદ્ધાર્થ છાયા |
ચિત્તારાજનો દીકરો ચિત્તુ જંગલના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં પોતાના મિત્રો સાથે ફરી રહ્યો હતો. હવે ચિત્તુએ શું કર્યું તે જાણીએ એ પહેલાં ચિત્તારાજ કોણ છે એ જાણીએ.
ચિત્તારાજ એ આપણા જંગલ દેશનાં મોટાં બિલ્ડર છે પણ તેઓ મોટા જાનવરોના જ ઘર બનાવી આપે છે એટલે એમણે દબાવીને કમાણી કરી છે. વનરાજસિંહ જે જંગલના રાજા છે તેમની આધુનિક ગુફા પણ ચિત્તારાજની ‘ચપળ કન્સ્ટ્રકશન કંપની લિમિટેડ’ દ્વારા જ બનાવવામાં આવી છે. આ રીતે જંગલ દેશનાં સત્તા વર્તુળોમાં ચિત્તારાજની મોટી પહોંચ છે.
આ બાબત જંગલ દેશનાં નાનામોટા અધિકારીઓ પણ જાણે છે એટલે તેઓ પણ ચિત્તારાજના દરેક કામો સરળતાથી કરી આપે છે. વળી, આ અધિકારીઓને દર મહીને ચિત્તારાજ તરફથી એક્સ્ટ્રા ભથ્થાં પણ સરળતાથી મળી જાય છે. ટૂંકમાં ચિત્તારાજની પહોંચ જંગલ દેશમાં સારી એવી છે અને તેમની સામે પડતા દરેક લોકો ડરતા હોય છે.
હવે પાછા ફરીએ ચિત્તુ તરફ. તો ચિત્તુ હજી આમ તો નાનો પણ પિતાના છાયામાં ઉછરેલો એટલે નાની ઉંમરે ન કરવાના બધા કામો કરતો આવ્યો છે. મુષક બારમાં તો તેનું છેલ્લા છ મહિનાથી આવવા-જવાનું ચાલે છે. અહીં તે પોતાની ઉંમરના મિત્રો સાથે આવીને દારૂની મહેફીલો જમાવે છે. જાે કે જંગલ દેશનાં કાયદા અનુસાર તેની ઉંમરના પ્રાણીઓને શરાબ પીરસવો ગુનો છે પણ ચિત્તારાજના પૈસા બધે પહોંચી જતા હોવાથી ચિત્તુને કોઈ કશું કહેતું ન હતું.
એક દિવસ ચિત્તુનો જન્મદિવસ હતો એટલે મુષક બારમાં તેણે ખાણી ઉપરાંત પીણીની જબરદસ્ત વ્યવસ્થા કરાવી હતી. આ ઉપરાંત (અગેઇન) જંગલ દેશનાં કાયદા વિરુદ્ધ બારબાળાઓને પણ બોલાવવામાં આવી હતી. ચિત્તુનો જન્મદિવસ રંગેચંગે ઉજવાયો. બારમાં ખૂબ શરાબ વહ્યો અને બારબાળાની અદાઓ કિશોરવયના પ્રાણીબાળો ઉપર છવાઈ ગઈ હતી.
મોડી રાત્રે ચિત્તુની પાર્ટી પતી અને તેના બધા મિત્રો પોતપોતાના ઘરે જવા લાગ્યાં. ચિત્તુએ ચિક્કાર પીધો હતો, તે પણ પોતાના પૈસાદાર બાપે આપેલા પર્સનલ સિક્યોરીટી સૈનિક દીપડકુમાર સાથે ઘર તરફ જવા નીકળ્યો. રસ્તામાં તેને એક તેના જેવું જ કિશોર હરણ અને તેની બહેન હરણી જાેવા મળી.
હવે અહીં એક આડવાત, જંગલ દેશનાં રાજા વનરાજ સિંહે કાયદો બનાવ્યો હતો કે કિશોરાવસ્થામાં રહેલા કોઇપણ પ્રાણીએ શિકાર કરવો નહીં, ફક્ત તેમના માતાપિતા જ તેમના ભોજનની વ્યવસ્થા કરી શકે. બીજું જાે કોઈ પ્રાણી ભૂખ વગર શિકાર કર્યા હોવાનું સાબિત થાય તો તે પણ ગુનો ગણાતો.
પણ આ તો ચિત્તુ, ચિત્તારાજનો પુત્ર, તેને રોકનાર કોણ? આ ઉપરાંત તેના ઉપર શરાબની પણ પૂરી અસર હતી. ચિત્તુ તો તૈયારી કરવા લાગ્યો પેલા હરણ ભાઈ-બહેનનો શિકાર કરવાની. દીપડકુમારે તેને ઘણો વાર્યો કે, ‘નાના શેઠ, આમ ન કરશો આ તો ગુનો છે!’ પણ ચિત્તુએ તેને આંખ દેખાડી અને સિક્યોરીટી ગાર્ડ શિયાળ સિંહ શાંત થઇ ગયો.
છેવટે જ નહોતું થવાનું એ જ થઈને રહ્યું. ચિત્તુએ હરણ ભાઈ-બહેનને મારી નાખ્યા પણ માર્યા પછી કદાચ તેને પોતાનાથી ભૂલ થઇ છે એ સમજાયું એટલે ઘટનાસ્થળેથી તરત ભાગ્યો. દીપડકુમારને પણ થયું કે હવે તેનું એકલું અહીં ઉભું રહેવું એ તેને તકલીફ આપી શકે છે એટલે એ પણ ત્યાંથી જતો રહ્યો.
જંગલમાં સતત પેટ્રોલિંગ કરતાં વાઘજી સરદાર અને તેની ટીમે હરણ ભાઈબહેનના શબ જાેયા. વાઘજી સરદાર જમાનાના ખાધેલ હતા, તેમને ખ્યાલ આવી ગયો કે આ બંનેને શિકાર કરીને ખાવા માટે નથી માર્યા પરંતુ એમ જ કોઈએ મારી નાંખ્યા છે. તેમણે તરત જ પોલીસ હેડક્વાર્ટરમાં ફોન કરીને એ વિસ્તારના સીસીટીવી ચેક કરવાનું કહ્યું.
તુરંત સીસીટીવી તપાસાયા અને વાઘજી સરદારને રિપોર્ટ આવી ગયો કે ચિત્તુએ હરણ ભાઈબહેનને માર્યા અને પછી તેને ખાધા વિના જ ત્યાં છોડીને જતો રહ્યો. વાઘજી સરદાર પોતે હેડક્વાર્ટર પહોંચી અને ચિત્તુ જે રસ્તેથી ઘટનાસ્થળે આવ્યો હતો તે તમામના સીસીટીવી ચેક કર્યા અને જાણી લીધું કે કિશોર વયનો ચિત્તુ નશામાં ધૂત હતો. તમામ પૂરાવાઓ એકઠા કરીને વાઘજી સરદારે બે-ત્રણ સિપાઈઓને સાથે લીધાં અને પોતાની જીપ સીધી ચિત્તારાજના મેન્શન ઉપર લઇ લીધી. ચિત્તારાજ કોઈ કામે જંગલ દેશની બહાર હતાં એટલે ચિત્તુની ધરપકડ કરવામાં વાઘજી સરદારને કોઈ વાંધો ન આવ્યો. જાેકે ચિત્તીરાણીએ ચિત્તારાજને ફોન કરીને હકીકત જણાવી દીધી હતી.
ચિત્તુએ આખી રાત પોલીસ હેડક્વાર્ટરના લોકઅપમાં કાઢી. બીજે દિવસે સવારે કાયદા અનુસાર વાઘજી સરદારે દેશનાં નાના સરપંચ વૈશાખ નંદનની કોર્ટમાં ચિત્તુને હાજર કર્યો. તો ચિત્તારાજે વહેલી સવારે જંગલ દેશ પરત ફરીને સહુથી મોંઘા વકીલ લોમડી કુમારીને પોતાના દીકરાને છોડાવવાની જવાબદારી સોંપી
નાના સરપંચ વૈશાખ નંદને તમામ સીસીટીવી જાેઇને ચિત્તુને દોષિત ઠેરવ્યો અને તેની સજા નક્કી કરી.
એક, ચિત્તુએ અક્સ્માત કરવાથી ભાંગી જતા કુટુંબને પડતી તકલીફો વિશે ત્રણસો શબ્દમાં નિબંધ લખવો
બે, વાઘજી સરદારના હાથ નીચે ટ્રાફિક પોલીસ વિંગમાં સેવા આપવી
ત્રણ, દારૂ પીવાની આદત છોડાવવા માટે હોસ્પિટલમાં દાખલ થવું
ચાર, જંગલ દેશનાં શ્રેષ્ઠ મનોચિકિત્સકની સલાહ લેવી.
આ સજા આપીને નાના સરપંચ વૈશાખ નંદને ચિત્તુને છોડી મૂકવાનો આદેશ આપ્યો.
આ સજા સાંભળીને સમગ્ર જંગલ દેશનાં નાગરિક જાનવરો, વાઘજી સરદાર સ્તબ્ધ થઇ ગયાં, જ્યારે ચિત્તારાજ અને ચિત્તુ આ તમામ સામે મરક મરક થતાં પોતાની મોંઘી કારમાં પોતાને ઘરે જતા રહ્યા.