તંત્રીલેખ |
સમગ્ર વિશ્વ ચીનની મેલી મથરાવટીથી પરિચીત છે. પરંતુ તે કોઈ પણ રીતે અંકુશમાં આવતું નથી. તાજેતરમાં યુનોમાં ઉઈગર પ્રાંતના મુસ્લિમો પર અત્યાચાર અને કોવિડ-૧૯ના વાયરસ લેબમાંથી લીક થવાના મુદ્દે યુનોમાં ચર્ચા અટકાવવા માટે ચીને કાવતરૂ કર્યુ હોવાના અહેવાલ બહાર આવ્યા છે.યુનોના એક વ્હિસલબ્લોઅર દ્વારા પુરાવા સાથે અહેવાલ રજુ કરાયો છે કે ચીન યુનો જેવી બહુપક્ષીય સંસ્થાઓને પોતાના હિતમાં પોતાની તરફેણમાં મતાંતરિત કરવા માટે પ્રયાસો કરે છે અને આ માટે તેણે યુનોના કેટલાક અધિકારીઓને લાંચ પણ આપી છે.હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ (ઓએચસીએચઆર) ની ભૂતપૂર્વ કર્મચારી બ્રિટિશ નાગરિક એમ્મા રેઈલીએ આ ઘટસ્ફોટ કર્યો છે. તેણે લેખિત રજુઆત કરીને આરોપ લગાવ્યો છે કે બેઈજિંગ કાયદાના શાસન, લોકશાહી અને માનવતાને પ્રાથમિકતા આપવા માંગતું નથી તે તેના કૃત્યથી સાબિત થાય છે.રેઈલીએ જાહેર કર્યું છે કે બેઇજિંગે અમુક મુદ્દાઓ ન ઉઠાવવા માટે ઓએચસીએચઆરને પ્રભાવિત કર્યુ છે અને યુએનના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને ચીનના નકારાત્મક સંદર્ભોને દૂર કરવા માટે તેના અહેવાલોમાં સુધારો કરવા દબાણ કર્યુ છે.
તેમણે દાવો કરે છે કે કોવિડની ઉત્પત્તિ અંગે ડબલ્યુએચઓ અને યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ બંનેના અહેવાલો લેબ લીક થવાની સંભાવનાના સંદર્ભમાં તૈયાર કરવામાં આવ્યાં હતાં.તેમણે કહ્યું કે ઉઈગરના મુસ્લિમોની સારવાર અંગે ઓએચસીએચઆર રિપોર્ટમાં ચીનની સરકાર દ્વારા નોંધપાત્ર ફેરફારો કરાયેલા છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે માનવ અધિકાર કાર્યકર્તાઓએ ચીનમંા માનવ અધિકાર ઉલ્લંઘનનો મુદ્દો રજુ કરવા માનવ અધિકાર પરિષદમાં હાજરી આપવાનું આયોજન કર્યુ હતું તેમના નામ યુનોના સ્ટાફે ગુપ્ત રીતે ચીનને પહોંચાડી દીધા હતા.આ લોકોને પછી ખબર પડી કે ચીનમાં તેમના પરિવારના સભ્યોની ચીનની પોલીસ દ્વારા મનસ્વી રીતે ધરપકડ કરવામાં આવી હતી,અને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અને ઘણાને ગાયબ પણ કરી દેવાયાં હતાં.આ ઘટસ્ફોટ કરવાના પરિણામ સ્વરૂપે એમ્મા રેઈલીને નોકરી ગુમાવવી પડી હતી. હાલમાં પણ યુનોના અધિકારીઓ ચીનની ટીકા કરવાનું ટાળી રહ્યાં છેરેઈલીએ કરેલા ઘટસ્ફોટ બાબતે બેઈજિંગે ટીકા કરતાં યુનોના પ્રમાણમાં સ્વતંત્ર અધિકારીઓને પણ જાહેરમાં ચીનની ટીકા કરવાથી દૂર રહેવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિ બાબતે રેઈલી કહે છે કે આ ઘટનાક્રમ વિકૃત પરિસ્થિતિમાં પરિણમ્યા છે. યુનોની માનવ અધિકારોની ચિંતા કરતી સંસ્થા લોકશાહી દેશોની ડગલે ને પગલે માનવ અધિકાર બાબતે આકરી ટીકા કરે છે પણ અહીં તે ચીપ થઈ ગઈ છે.
એમ્મા રેઈલી, જેમને વ્હિસલબ્લોઇંગ માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી, તેણે કહ્યું કે બેઇજિંગ,યુનોમાં વિકાસ સહાય દ્વારા તેની નકારાત્મક બાબતો પરની ચર્ચાને બંધ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં મતોને પ્રભાવિત કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે બેઇજિંગે યુનોના બે પ્રમુખોને લાંચ આપી હતી.તાજેતરના વર્ષોમાં ચીને તેના નાગરિકોને મોટી સંખ્યામાં યુનોના જુદા જુદા વિભાગો, કાર્યક્રમો અને એજન્સીઓમાં વરિષ્ઠ મેનેજમેન્ટ હોદ્દાઓ પર નેતૃત્વ મેળવવા માટે પ્રેરિત કરવાનું સફળતાપૂર્વક અભિયાન ચલાવ્યું છે. ચીનની સરકાર તેમના દેશની પ્રજાને લોખંડી પડદા પાછળ રાખે છે. ચીનની અદર શું ચાલી રહ્યું છે તેની બહારની દુનિયાને બિલકુલ ગંધ ન આવે તેવો ચુસ્ત બંદોબસ્ત તેણે કરેલો છે. ટીનની ઉઈગર પ્રાંતમાં રહેતા મુસ્લિમો પર સરકાર અમાનુષી અત્યાચાર કરી રહી હોવાના અહેવાલો અવારનવાર પ્રસિધ્ધ થતાં રહે છે. ઉપરાંત કોવિડ-૧૯ રોગચાળા બાબતે પણ ચીન સામે શંકાની સોય તકાયેલી છે. પરંતુ ચીન યુનોમાં તે મુદ્દે ચર્ચા નહીં થવા દેવા માટે કોઈ પણ હદે જઈ શકે છે તેનું આ દ્રષ્ટાંત છે.