બિજીંગઃ
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોવિડ-૧૯ ફેલાવાના કારણો કયાં અને ખાસ તો તે ક્યાંથી ફેલાયો, એ બાબતના મૂળ શોધવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓ યાને હુ દ્વારા નિમાયેલી એક આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમને ચીને હજી સુધી પ્રવેશ માટે મંજૂરી ન આપ્યાને પગલે હુ દ્વારા નારાજગી જાહેર કરાઈ છે.
એકાદ વર્ષ પહેલાં ચીનના વુહાનથી જેના પહેલા કેસ દુનિયાની સામે આવ્યા હતા એની પાછળ ખરેખર શું કારણ હતું અને એ વાયરસ ત્યાં અને ત્યારબાદ દુનિયામાં કઈ રીતે ફેલાયા તેની સમૂળગી તપાસ કરવા માટે સંસ્થા દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરની ટીમની રચના કરવામાં આવી હતી અને જાન્યુઆરી માસના આરંભે આ ટીમે ચીનમાં પ્રવેશીને તેનાં મૂળ શોધવાના હતા.
હુ ના મહાનિર્દેશક એડહેનોમ ગેબ્રેસીસે જીનિવામાં એક ઓનલાઈન પત્રકાર પરીષદમાં કહ્યું હતું કે, ઉક્ત ટીમને ચીનમાં ક્યારે જવું એ બાબતની જરુરી મંજૂરીની પ્રક્રિયા હજી સુધી ચીની અધિકારીઓએ નથી પૂરી કરી એ બાબતની આજે અમને ખબર પડી છે.
તેમણે કહ્યું હતું કે, આ મિશન એ હુ સંસ્થા માટે અગ્રિમ મહત્વ ધરાવે છે અને ચીનને એની જાણ પણ કરવામાં આવી છે. એક પ્રજાતિમાંથી બીજીમાં જતા વાયરસ કે અન્ય જીવાણુ બાબતના હુ સંસ્થાના પ્રાણીરોગ નિષ્ણાત પીટર બેન એમ્બારેકના નેજા હેઠળ આ મિશન કામ કરવાનું છે.