દિલ્હી-
ચીનની રાજધાની બીજિંગમાં છેલ્લા દસ વર્ષનું સૌથી ખતરનાક ધૂળનું તોફાન આવ્યું છે. આજે આવેલા સેન્ડસ્ટોર્મને લીધે બીજિંગ શહેર પીળા રંગનું જોવા મળ્યું હતું. બીજિંગમાં હવાની ગુણવત્તાનું સ્તર ૧૦૦૦ને પાર થઇ ગયું હતું. જેને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો વધુ ઘાતક બતાવી રહ્યાં છે. ધૂળના વંટોળને લીધે ત્યાં લગભગ ૪૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સેન્ડસ્ટોર્મન લીધે સોમવારે દિવસમાં પણ લોકોને લાઇટ્સ ચાલુ કરવાની જરૂર પડી હતી. જ્યારે સમગ્ર શહેરમાં પાળી અને ભૂખરા રંગની ધૂળની આંધી જોવા મળી હતી. આ વંટોળ મંગોલિયા અને ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં થયેલા વરસાદ બાદ આવ્યું હતું. બેઇજિંગમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) મહત્તમ ૫૦૦ની સપાટીએ પહોંચી ગયો છે. કેટલાક જિલ્લામાં પીએમ ૧૦ પાર્ટિકલનું સ્તર ૨૦૦૦ માઇક્રોગ્રામ્સ પ્રતિ ક્યૂબિક મીટરે પહોંચી ગયું હતું. જ્યારે કેટલાક વિસ્તારોમાં એક્યૂઆઇ ૧૦૦૦ના સ્તરે પહોંચ્યું હતું. આ પ્રદૂષણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ખતરનાક છે.
બીજિંગ અને આસપાસના શહેરોમાં ૪૦૦ ફ્લાઇટ્સ રદ કરવી પડી. સોમવારે સવારે ૭.૩૦ કલાક બાદ પીળા અને ભૂખરા રંગની ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ચીનના મીડિયા અનુસાર, મંગોલિયા અને આસપાસના વિસ્તારોમાં ધૂળના તોફાન બાદ ૩૪૧ લોકો ગુમ છે. ચીનના નિંગશિયા નામના શહેરના લોકોએ જણાવ્યું કે, તેઓ રાત્રે સૂઇ ના શક્યાં. શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે તેઓ ઊંઘી શક્યાં નહીં.